રાજકોટ તાજેતરમાં રાજસ્થાનમાં રાષ્ટ્રીય કરણીસેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને દેશભરની કરણીસેનામાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. અને તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ત્યારે આજે રાજકોટ કરણીસેના દ્વારા કલેક્ટર તેમજ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ તકે રાજકોટ કરણીસેનાનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા ‘સુખદેવસિંહના હત્યારાઓને ફાંસી આપો’ સહિત વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો જ્યાં સુધી આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી રાજસ્થાન સરકારની શપથવિધિ નહીં કરવા દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ તકે કરણીસેનાનાં જિલ્લા અધ્યક્ષ ભૂપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કરણીસેનાનાં સાવજ ગણાતા સુખદેવસિંહની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ હત્યારાઓને જલ્દીથી જલ્દી ઝડપી લઈને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ સાથે આજે રાજકોટ કરણીસેના દ્વારા કલેક્ટર અને પો.કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. હવે પછી આવા બનાવો ન બને તે માટે કરણીસેના પણ જાગૃત રહેશે. જાે સરકાર કડક પગલાં નહીં લે તો અમારે કાયદો હાથમાં લેવાની ફરજ પડશે. ત્યારે અમારે આવું ન કરવું પડે તેના માટે સરકારને વિનંતી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુખદેવસિંહ જાડેજાનાપરિવારજનોને તાત્કાલિક સુરક્ષા પુરી પાડવામાં આવે તેમજ પરિવારમાંથી કોઈ એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે તે જરૂરી છે. સુખદેવસિંહે અવારનવાર સુરક્ષા અંગેની માંગણી કરી હતી પરંતુ કોંગ્રેસ સરકારે તેમને સુરક્ષા આપી ન હતી. કોંગ્રેસ સરકાર સુખદેવસિંહ સાથે શું કરવા માંગતી હતી તે જ ખબર ન હતી. જાેકે હવે ત્યાં પણ ભાજપ સરકાર આવી ગઈ છે. પણ જ્યાં સુધી હત્યારા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી નવી સરકારના શપથવિધિ નહિ થાય. મહિલા કરણીસેના પ્રદેશ અધ્યક્ષ પદમીનીબા વાળાએ જણાવ્યું હતું કે, સુખદેવસિંહની હત્યાની ઘટના મામલે તાત્કાલિક જવાબદારોને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ તમામ જિલ્લાનાં કલેક્ટરો અને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જ્યાં સુધી આ હત્યાના આરોપીઓને ઝડપી લઈ એન્કાઉન્ટર કરવામાં નહીં આવે ત્યાં સુધી નવી સરકારને શપથ લેવા નહીં દઈએ તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.