ચંદીગઢ-

કોરોનાના સંક્રમણ વચ્ચે રસીકરણ અભિયાનને વેગ આપવાની જાહેરાતો થઈ રહી છે અને બીજી તરફ કોરોનાની વેક્સીન તસ્કરોના નિશાના પર આવી ગઈ છે.હોસ્પિટલમાંથી કોરોના વેક્સીન ચોરી થવાની બીજી ઘટના હરિયાણામાં બની છે. અહીંના જીંદ જિલ્લાની હોસ્પિટલના સ્ટોરમાં મુકવામાં આવેલા કોરોના વેક્સીનના 1600 જેટલા ડોઝ ચોરી થઈ ગયા છે. જેમાં 1200 જેટલા કોવિશીલ્ડ અને 400 જેટલા કોવેક્સીનના ડોઝ સામેલ છે.

આ ઘટનાની જાણકારી આજે સવારે નવ વાગ્યે હોસ્પિટલ સત્તાધીશોને મળી હતી. હોસ્પિટલના સ્ટોરના તાળા તુટેલા જોઈને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. ડિપ ફ્રિજમાંથી વેક્સીન સ્ટોક ગાયબ હતો. જોકે હોસ્પિટલમાં મુકાયેલી 50,000 રુપિયાની રોકડ રકમ સુરક્ષિત છે. આ બાબતે છેવટે પોલીસને જાણ કરવામાં આવી હતી.હવે પોલીસ મામલાની તપાસ કરી રહી છે.હોસ્પિટલ સત્તાધીસોએ કહ્યુ હતુ કે, હાલમાં હોસ્પિટલ પાસે 1600 જેટલા રસીના ડોઝ ઉપલબ્ધ છે પણ ગુરુવારે બપોર સુધી બંને વેક્સીનના 1000-1000 ડોઝ આવી જશે. હોસ્પિટલમાં વેક્સીન નહીં હોવાના અહેવાલો પણ વહેતા થયા હતા. જેને હોસ્પિટલ સત્તાધીશોએ રદિયો આપ્યો હતો. અને કહ્યુ હતુ કે, પૂરતા પ્રમાણમાં વેક્સીન સ્ટોક ઉપલબ્ધ છે. દરમિયાન પોલીસે ચોરી કરનારાઓનુ પગેરુ મેળવવા માટે ફિંગર પ્રિન્ટ એક્સપર્ટનો પણ ઉપયોગ કર્યો છે.