ગીર સોમનાથ-

આજે મહાશિવરાત્રી ભગવાન ભોલેનાથનો દિવસ છે. દેવાધીદેવ મહાદેવના દર્શન માટે આજે ભક્તો મહાદેવના મંદિરમાં ઉમટી પડ્યા છે. ત્યારે દેશનું પહેલું જ્યોતિર્લિંગ ગણાતું એવું સોમનાથ મહાદેવના મંદિરે પણ આજના દિવસ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સોમનાથ મંદિર ભક્તોના દર્શન માટે સતત ખુલ્લું રહેશે. શિવરાત્રીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે કે સોમનાથ મંદિર સતત 42 કલાક માટે ખુલ્લું રાખવામાં આવશે. આજે શિવરાત્રીના દિવસે સવારે ચાર વાગ્યે મંદિરના કપાટ ખુલ્યા હતા. શિવરાત્રીનો તહેવાર હોવાથી ભક્તો વહેલી સવારથી જ સોમનાથ દાદાના દર્શન માટે આવી પહોંચ્યા હતા.

શિવરાત્રીના રોજ મંદિરમાં ચાર આરતી થશે. જેમાં સવારે સાત વાગ્યે, ત્યારબાદ બપોરના 12 વાગ્યે, સાંજે સાત વાગ્યે અને રાત્રે 12 વાગ્યે આરતી થશે. આ સાથે સવારે આઠ વાગ્યે ધ્વાજારોહણ અને 8.30 વાગ્યા પાલખી યાત્રા નીકળશે. આ પાલખી યાત્રામાં મોટા પ્રમાણમાં ભક્તો જોડાશે. આજે મહાશિવરાત્રી હોવાથી વહેલી સવારથી જ સોમનાથ ખાતે માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. લોકોએ કોરોનાની ગાઇડલાઇન વચ્ચે મહાદેવના દર્શન કર્યા હતા. આ પ્રસંગે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. જોકે, મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચતા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું હોવાનું જોવા મળ્યું ન હતું. સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા.