દિલ્હી-

દેશભરમાં રસીકરણ કેન્દ્રો પર કોરોના રસીના ડોઝ ખતમ થઇ રહ્યા છે તેમ છતાં કેન્દ્રએ રસીનું ઉત્પાદન કરતી બે કંપનીઓ સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને રસી ખરીદવા માટે નવા ઓર્ડરો નથી આપ્યા. વિભીન્ન સૂત્રોએ જણાવ્યું કે બંને કંપનીઓને છેલ્લો ઓર્ડર માર્ચમાં અપાયો હતો. ત્યારે સીરમને ૧૦ કરોડ અને ભારત બાયોટેકને ૨ કરોડ ડોઝના ઓર્ડર મળ્યા હતા. ઉદ્યોગ સૂત્રોએ જણાવ્યું કે, આ ઓર્ડરોની છેલ્લી ખેપ થોડા દિવસોમાં પહોંચાડી દેવાશે.

આ બાબતની માહિતી ધરાવતા એક સૂત્રએ કહ્યું કે, અમે કેન્દ્રીય ઓષધી પ્રયોગશાળા, કસૌલી દ્વારા સત્યાપિત બેચની ડીલીવરી આગામી થોડા દિવસોમાં કેન્દ્રના આદેશ અનુસાર દેશના કોઇ પણ સ્થળે કરી દેશું મેના મધ્ય સુધીમાં આ ઓર્ડર પુરો થઇ જશે. સૂત્રોએ જણાવ્યું કે, કેન્દ્રએ હજુ સુધી નવો ઓર્ડર નથી આપ્યો.

બીજી બાજુ, રાજ્ય સરકારો ઓર્ડર આપવા ઇચ્છે છે. લગભગ ૨૨ રાજ્ય સરકારોએ સીરમનો સંપર્ક કર્યો છે અને તેમાંથી ચાર રાજ્ય સરકારોએ તો કરાર પણ કરી નાખ્યો છે. રસી ખરીદવાની બેકરારી એટલી છે કે ગુજરાત અને રાજસ્થાન સરકાર એક ડોઝના ૪૦૦ રૂપિયાની સમજૂતી કરી ચૂકી છે. રસી ઉત્પાદકો દ્વારા કિંમતો ઘટાડયા પછી હવે આ કરાર હેઠળ કિંમત ૩૦૦ રૂપિયા કરાઇ છે. મહારાષ્ટ્રએ સીરમને ૧ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે જે તેને ૩ ખેપમાં મળશે. ભારત બાયોટેકની કોવેકસીન માટે છત્તીસગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને ઉત્તરપ્રદેશ પહેલા જ ઓર્ડર આપી ચૂકયા છે.

સ્વાસ્થ્ય મંત્રાયલનો ખુલાસો, 'સીરમને ૧૭૩૨ કરોડ એડવાન્સ ચૂકવાયા'

કોરોના વેક્સીનઅંગે નવો ઑર્ડર ન આપવા સાથે જાેડાયેલી ખબર સ્વાસ્થ્ય મંત્રાલયે ખોટી ગણાવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ છે કે કોવિશીલ્ડ વેક્સીનના ૧૦ કરોડ ડોઝના ઓર્ડર સામે ત્રીજી મે સુધી ૮.૭૪ કરોડ ડોઝની ડિલિવરી કરવામાં આવી છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારત બાયોટેકના મે, જૂન અને જુલાઇમાં વેક્સીનના પાંચ કરોડ ડોઝની ડિલિવરી માટે ૭૮૭.૫૦ કરોડ રૂપિયા પહેલાથી ચૂકવી દેવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે અમુક મીડિયા સંસ્થાઓ તરફથી ચલાવવામાં આવેલા સમાચારોનું ખેડન કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, માર્ચના ડોઝ પછી બંને કંપનીઓને કોઈ જ ઓર્ડર આપવામાં આવ્યો નથી. સરકાર તરફથી આ મામલે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વાતોમાં કોઈ જ તથ્ય નથી. અમુક સંસ્થાઓ તરફથી એવા સમાચાર વહેતા કરાયા હતા કે કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને ૧૦૦ મિલિયન ડોલર્સ અને ભારત બાયોટેકને ૨૦ મિલિયન ડોલરનો ઓર્ડર માર્ચ, ૨૦૨૧માં આપ્યો હતો. જે બાદમાં કોઈ નવો ઑર્ડર આપવામાં આવ્યો નથી.