અમદાવાદ- 

અમદાવાદીઓ પોતાના ફેવરિટ મોલ સુધી પહોંચવા સુધી ટ્રાવેલિંગનો કયો વિકલ્પ પસંદ કરે છે? તે અંગે હાલમાં જ એક રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. વસ્ત્રાપુરમાં આવેલા શહેરના સૌથી મોટા મોલમાં આવતા લોકો અંગે એક વિગતવાર સર્વે ટ્રાન્સપોર્ટ રિસર્ચ ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. જેથી તેમનો મોડ ઓફ ટ્રાન્સપોર્ટ મતલબ કે, તેઓ મોલ સુધી કેવી રીતે પહોંચે છે તે અને મોલમાં આવતા મુલાકાતીઓ અંગેના અન્ય પાસા જાણી શકાય. સ્ટડીના તારણમાં જાણવા મળ્યું કે, વર્ક ટ્રીપ (ઓફિસે પહોંચવા થતી મુસાફરી) બાદ શહેરના જે-તે સ્થળે શોપિંગ કરવા માટે સૌથી વધુ ટ્રીપ કરવામાં આવે છે. વર્ક ટ્રીપ બાદ ટ્રાન્સપોર્ટેશનનો સૌથી વધુ શેર શોપિંગ ટ્રીપ માટેનો છે. વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદના સૌથી મોટા મોલમાં એલ.ડી. એન્જિનિયરિંગના ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરની એક ટીમે રિસર્ચ હાથ ધર્યું હતું. પ્રોફેસર રેણુકા શુક્લા અને કવિશા શાહ દ્વારા લીડ કરાયેલી ટીમને રિસર્ચમાં જાણવા મળ્યું કે, સર્વેમાં સામેલ કરાયેલા ૯૧૯થી વધુ લોકોમાંથી ૪૭% લોકોનો મોલની મુલાકાત લેવાનો હેતુ શોપિંગ સિવાયનો હતો. મતલબ કે, તેઓ શોપિંગ માટે નહોતા આવ્યા. મોલમાં આવેલા મુલાકાતીઓમાંથી ૭૦% લોકો પ્રાઈવેટ વ્હીકલમાં આવ્યા હતા અને તેમાંથી મોટાભાગના એટલે કે ૫૦.૯૪% મુલાકાતીઓ પોતાના ફોર વ્હીલરમાં આવ્યા હતા. રિસર્ચમાં એ પણ સામે આવ્યું કે, કુલ મુલાકાતીઓના લગભગ ૩૧%એ મોલ સુધી પહોંચવા માટે ૫થી ૧૦ કિલોમીટરની મુસાફરી કરી હતી, જ્યારે ૩૩% લોકો ૨થી૫ કિલોમીટર દૂરથી આવ્યા હતા. રિસર્ચ પેપરમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે, "મોલમાં ૨૧૧ યુનિટ્‌સ છે અને તેમાંથી ૭૬% શોપિંગ કરી શકાય તેવા છે. ૧૭% દુકાનો ખાણીપીણીની છે અને ૨% યુનિટ ગેમિંગ ઝોન અને મનોરંજનના છે. જ્યારે ૦.૯% યુનિટ મૂવી માટેના અને ૪.૩% સ્પા-સલૂનના છે. જાે મુલાકાતીઓને મોલની મુલાકાત લેવાની તક આપવામાં આવે તો તેઓ ટ્રાન્સપોર્ટેશન માટે શેના પર પસંદગી ઉતારશે તેની ગણતરી કરવાનો આ સ્ટડીનો મહત્વનો હેતુ હતો.