સુરત-

સુરતમાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે તંત્રએ મોટો ર્નિણય લીધો હતો. તાજેતરમાં સુરતમાં મહાનગરપાલિકાએ શિક્ષકોને સ્મશાન ગૃહોમાં ફરજ સોંપાઈ હતી. મૃતદેહ ગણતરી માટે કર્મચારી સાથે શિક્ષકો પણ હાજર રહેશે તેવું કહ્યું હતું, જેના બાદ રાજ્યભરના શિક્ષકોમાં રોષ વ્યાપી નીકળ્યો હતો. ત્યારે હવે સુરત તંત્ર નવું લઈને આવ્યું છે. સુરતના શિક્ષકોને હોમ ક્વોરેન્ટાઇન દર્દીનું ઓક્સિજન ચેક કરવાનું બીજું કામ સોંપાયું છે. શિક્ષકોને સોપાતા આડેધડ કામગીરીને લઈ વિવાદ ઉભો થયો છે.

કોરોનાથી ચારેબાજુથી લોકોને ઘેર્યાં છે. ટેસ્ટથી લઈને સારવાર અને અંતિમવિધિ તમામમાં ફાંફા પડી રહ્યાં છે. આવામાં ગુજરાત સરકારે તાજેતરમાં જ શનિવાર અને રવિવારના રોજ સરકારી કચેરીઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે. ત્યારે આ વચ્ચે શિક્ષકોના માથા પર મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે. હાલ શાળા બંધ હોવાથી શિક્ષકો ઓનલાઈન ક્લાસ કરાવી રહ્યાં છે. આ વચ્ચે સુરતમાં શિક્ષકોને સ્મશાન ગૃહોમાં જવાની ડ્યુટી અપાઈ હતી. જેનો શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અગાઉ શિક્ષકોને સ્મશાન ભૂમિમાં કોરોનાના મૃતદેહોની ગણતરીનું કામ સોંપાયું હતું.

એક તરફ મૃત્યુઆંક વધતા શિક્ષકોને જવાબદારી તો સોંપાઈ છે, પરંતુ શિક્ષકો માટે આ જવાબદારી આકરી બની રહી છે. કોરોના દર્દીઓ વચ્ચે શિક્ષકોને મોકલવું કેટલું યોગ્ય છે. તો બીજી તરફ, સુરતમાં  રેપીડ ટેસ્ટ નહિ કરાવનાર ચેતે તેવી ચેતવણી આપવામાં આવી છે. આ મામલે હવે કાયદાકીય પગલાં લેવાશે. ટેસ્ટ નહિ કરાવતા માર્કેટના વેપારી-કામદારોને અલ્ટીમેટમ અપાયા છે.