નવસારી-

રાજ્યમાં વકરી રહેલા કોરોનાના કહેરના કારણે રાજ્ય સરકાર દ્વારા લગ્નપ્રસંગમાં ફક્ત ૫૦ લોકોની હાજરી જ મર્યાદિત કરવામા આવી છે. તેમ છતા નવસારીના વિજલપોરમાં એક લગ્નપ્રસંગમાં ૩૦૦ લોકો એકઠા થતા પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી વધારાના લોકોને દૂર કર્યા હતા. તો બીજી તરફ પરિવારજનોએ પોલીસની કાર્યવાહી સામે જ સવાલો ઉઠાવ્યા હતા.

નવસારી જીલ્લાના વિજલપુર વિસ્તારમાં પણ પાટીલ સમાજની વાડીમાં સંતોષ સદાશિવ ના લગ્ન હતા જેમાં આશરે ૩૦૦ જેટલા લોકો લગ્ન સમારંભમાં ભેગા થઇ જતાં પોલીસ આવી ચડી હતી અને કેટલાક સમય માટે લગ્નની વિધિ પણ અટકી પડી હતી. પોલીસે તમામ વધારાના લોકોને બહાર કાઢીને સોશિયલ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી હતી સાથે જ વરરાજાના બનેવી દેવા શિરસાઠ ની લગ્નમાંથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વરરાજાના ભાઈના જણાવ્યા મુજબ ૫૦ લોકો ની પરવાનગી પોલીસ સ્ટેશન માંથી લેવામાં આવી હતી પણ એકાએક જાનૈયા નું ટોળું લગ્નમાં ઉમટી પડતાં તેઓ પણ ટોળું ઘટે તે માટેના પ્રયત્નો કરી રહ્યા હતા તે પહેલા પોલીસ આવી અને કાર્યવાહી કરી હતી. વરરાજા ના ભાઈ સુરેશભાઈ ના જણાવ્યા મુજબ રાજકીય કાર્યક્રમો કે રાજકીય રેલીઓ માં કોઈ જ પોલીસ કાર્યવાહી થતી નથી પણ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવારના લગ્નમાં થોડો પણ કાયદો ભંગ થાય તો પોલીસ કાર્યવાહી કરે છે,લગ્નમાં એકાએક ભીડ થઈ જતા અમે પણ ભીડને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે જ પોલીસ અવીને કાયદેસર કાર્યવાહી કરી હતી.