સુરત-

સેન્ટ્રલ GST અધિકારી અમિત શર્મા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચોકબજાર વિસ્તારમાં રેડ કરવા ગયા હતા. પૂછપરછમાં સહયોગ નહીં આપનાર વેપારી સાથે બોલાચાલી થઈ અને અચાનક જ વેપારીએ હાથ પર બચકું ભરી લીધું હતું. આ જોઈ અન્ય અધિકારી અને કર્મચારીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ કૃત્ય બાદ જીએસટીના અન્ય કર્મચારીઓ વેપારીના હાથ પગ ઊંચકી કારમાં લઇ ગયા હતા. સૂફીયાન મહોમ્મદ નામના વેપારીએ બચકું ભરી લીધું હતું. જે બાદ જીએસટી અધિકારી અમિત શર્માને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવાયા હતા. અમિત શર્માએ સિવિલ હોસ્પિટલમાં એમએલસી કેસ સાથે સારવાર લીધી હતી જોકે, આ સમગ્ર મામલે અમિત શર્માએ મીડિયામાં કશું પણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, આરોપી ઉપર ફરજમાં રુકાવટનો કેસ પણ થઈ શકે છે. જોકે, હવે આ મામલે ફરિયાદ નોંધાય છે કે કેમ તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.

સુરતમાં રેડ કરવા ગયેલા GST અધિકારીને વેપારીએ બચકું ભરી લીધું હતું. આ અજીબોગરીબ ઘટના બાદ અધિકારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર લીધી હતી. જ્યારે અધિકારીના જમણા હાથના કાંડા પર કરડવાનું નિશાન જોઈ ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે, ઘટનાસ્થળેથી આરોપીને GSTના અધિકારીઓ અને કર્મચારીઓ ઊંચકીને લઈ જઈ રહ્યાં છે, તે વીડિયો પણ હાલ સામે આવ્યો છે.