અમદાવાદમાં ડ્રગ્સના આરોપીઓને પકડવા પોલીસની ખાસ ટીમ તૈયાર
18, ઓક્ટોબર 2021

અમદાવાદ-

ડ્રગ્સના દુષણને ડામવા હવે પોલીસ તંત્ર સજ્જ બન્યું હોય તેમ લાગી રહ્યું છે. ડ્રગ્સના રવાડે ચડી જઈ યુવાધન બરબાદ થઈ રહ્યું છે.જેમાં ભારતમાં જ રહેલા રૂપિયાના લાલચુ લોકો યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવી રહ્યા છે. પરંતુ હવે પોલીસને પણ સેન્ટ્રલ એજન્સીની જેમ કામ કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે. તમામ પોલીસ ઇન્સપેક્ટરને આ માટે પોલીસ કમિશનર, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમ દવારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. આ માટે પોલીસની એક ખાસ ટીમ પણ તૈયાર કરી દેવામાં આવી છે.

અમદાવાદના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરને તાજેતરમાં ડ્રગ્સના કેસમાં વધુમાં વધુ કડક કાર્યવાહી થઈ શકે અને આરોપી સહેજ પણ છટકી ના શકે તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની સાથે NCBના અધિકારી તેમજ નિષ્ણાત વકીલની હાજરીમાં યોજાયેલા સેમિનારમાં ખાસ માહિતી આપવામાં આવી હતી.શહેરની મહત્વની એજન્સી તથા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. જેમાં નાર્કોટિક્સ અંગે કઈ રીતે કાર્યવાહી કરવી તે અંગેની માહિતી આપી હતી.જેનાથી શહેરને ડ્રગ્સ મુક્ત બનાવી શકાય અને તે દીશામાં પ્રયાસ હાથ ધરી શકાય.આ અંગે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું કહેવું છે નાર્કોટિક્સના કેસમાં પોલીસ ઇન્સ્પેકટરોએ કયા પ્રકારનું ધ્યાન રાખવું, ક્યાં મુદ્દાને મહત્વ આપવું જેથી આરોપી બચી ન શકે તેમજ કોર્ટમાં ક્યાં પુરાવાઓ મહત્વના હોય છે તે અંગે ખાસ માહિતી આપવામાં આવી હતી.

શહેરને ડ્રગ્સ મુક્ત કરવા અને આરોપીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી તે ગુનામાંથી છટકી ન શકે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.તહેવારોના કારણે ખાસ ડ્રાઈવ શરૂ કરવામા આવી હતી. જેમાં વાહન ચેકિંગ, હોટલ ચેકિંગ તેમજ ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થ પર નજર રાખવા માટે શહેર પોલીસ ખાસ એલર્ટ પર હતી. આ અંગે કામ કરતી સીઆઇડી ક્રાઇમ વિભાગે તાજેતરમાં ખાસ હેલ્પલાઇન શરૂ કરી છે. જેમાં પણ ડ્રગ્સ અંગેની માહિતી મળતા તરત કાર્યવાહી કરવા ખાસ ટીમ બનાવી દીધી છે. NCB દ્વારા રાજ્યનાં મોટા શહેરમાં ડ્રગ્સ માટે એલર્ટ પર છે જે સ્થાનિક પોલીસ અને ગુજરાત પોલીસની મહત્વની એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution