ગાંધીનગર, ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા નાણાં મંત્રીને પત્ર લખીને સચિવાલયના વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓને દિવાળી નિમિત્તે કેન્દ્ર સરકારના ધોરણે બોનસ ચૂકવવાની માંગણી કરાઈ છે. પડતર માંગણીઓને લઈને જૂના સચિવાલય ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પણ દર્શાવ્યો હતો. ગુજરાત સચિવાલયના કર્મચારીઓ અને અધિકારીઓનાં ફેડરેશન એવા ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો છે. આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજય સચિવાલયનાં વર્ગ-૩ અને ૪નાં કર્મચારીઓને દિવાળીના તહેવાર નિમિત્તે કેન્દ્ર સરકારના ધોરણે રૂપિયા ૭ હજારનું બોનસ ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત ફેડરેશનના આગેવાનોના નેતૃત્વમાં પોતાની પડતર માંગણીઓ સંદર્ભે જૂના સચિવાલય ખાતે કર્મચારીઓ દ્વારા સૂત્રોચારો કરીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ધી ગુજરાત સચિવાલય ફેડરેશન એ સચિવાલયનાં વર્ગ - ૧ થી ૪ નાં કર્મચારીઓનું ફેડરેશન છે. આ ફેડરેશનનાં પ્રમુખ જયેશ રાવલ દ્વારા અગાઉ નાણાં વિભાગનાં અધિક સચિવને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ બાબત અંગે કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. જેના કારણે ફેડરેશન દ્વારા હવે રાજયના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.આ રજૂઆતમાં જણાવાયું છે કે, દિવાળીના તહેવારો નજીકમાં આવનાર છે. દર વર્ષે સરકાર દ્વારા તહેવારો નિમિત્તે વર્ગ - ૩/૪ નાં કર્મચારીઓને તહેવાર પેશગી ચૂકવવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ તહેવાર પેશગી આપીને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા જાેઈએ.

આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ગ - ૩ અને ૪ નાં કર્મચારીઓને દિવાળી નિમિત્તે બોનસ પણ આપવું જાેઈએ તેમજ આ વર્ષે દિવાળીના તહેવારોની શરૂઆત ચોથી નવેમ્બરથી થવાની છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વર્ગ ૩ અને ૪ નાં કર્મચારીઓને દિવાળી નિમિતે રૂ. ૭ હજારની મર્યાદામાં બોનસ ચૂકવવાની જાહેરાત કરાઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યના કર્મચારીઓને આ બોનસ સત્વરે ચૂકવી આપવામાં આવે તેવી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા રજૂઆત કરાઈ છે.

આ ઉપરાંત આજે જૂના સચિવાલય ખાતે સરકારી કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે સૂત્રોચારો કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કર્મચારીઓએ બેનરો સાથે એકઠા થઈ સૂત્રોચારો કર્યા હતા. વિવિધ પડતર માંગણીઓ જેવી કે એનપીએસ પ્રથા બંધ કરી, ૫૦ વર્ષે તમામ ખાતાકીય પરીક્ષાઓ સ્થગિત કરવી, ફિક્સ પગાર પ્રથા, કેન્દ્રના ધોરણે લાભો આપવા સહિતની પડતર માંગણીઓ અન્વયે કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.