ધો-૧થી ૯ના ઓફલાઇન ક્લાસ શરૂ ઃ પાંખી હાજરી

વડોદરા, તા.૭

સમગ્ર ગુજરાતમાં કોરોના કેસોમાં થઇ રહેલા ક્રમશઃ ઘટાડાને પગલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સોમવારથી ધો.૧થી ૯ સુધી ઓફલાઇન સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. આજે વડોદરા શહેર-જિલ્લાની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું. ૩૦ દિવસ બાદ ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં પ્રથમ દિવસે મોટાભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા મળી હતી.

શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે, એક મહિના પછી ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ થયુ છે. ત્યારે આજે સ્કૂલમાં ધો. ૬થી ૯ના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. જ્યારે ૧થી ૫ના વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. વિદ્યાર્થીઓ પણ હવે ઓનલાઈન અભ્યાસથી કંટાળી ગયા છે. પ્રથમ દિવસે શાળાએ આવેલા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે અમને ઓનલાઈન શિક્ષણમાં તકલીફ પડતી હતી. હવે ઓફલાઇન સ્કૂલ શરૂ થતાં અમે સારું શિક્ષણ મેળવી શકીશું તેમજ પરીક્ષાની સારી તૈયારી કરી શકીશું.

કોરોનાની બીજી લહેર હળવી થયા બાદ સ્કૂલો ઓફલાઇન શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્રીજી લહેર શરૂ થતાં અને કોરોનાના કેસોમાં વધારો થતાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્ય અને વાલીમંડળની માગણીને ધ્યાનમાં લઈ સ્કૂલો ઓફલાઇન બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. હવે કોરોનાના કેસ ઘટતાં સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનના અમલ સાથે પુનઃ સ્કૂલો શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવતાં આજે શહેરની તમામ સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણની શરૂઆત થઇ ગઇ હતી.

જેથી ફરી એકવાર ખાનગી, સરકારી અર્ધસરકારી સ્કૂલો આજે ધો.૧થી ૯ના વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઊઠી હતી. સ્કૂલ સંચાલકો દ્વારા કોરોના અંગે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને આવવા માટે જણાવવામાં આવ્યું હતું, સાથે કેટલીક સ્કૂલો દ્વારા એક બેન્ચ ઉપર એક વિદ્યાર્થીને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્કૂલોમાં સેનિટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution