રત્નાકર બેંકના કૌભાંડમાં રાજ્ય સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે કલ્પેશ ગોસ્વામીની નિમણૂક કરી
22, ફેબ્રુઆરી 2021

કચ્છ-

કૌભાંડની તપાસ CID ક્રાઈમ કરી રહી છે અને આરોપીઓમાં જેન્તી જેઠાલાલ ઠક્કર તેમજ કોટન કિંગ ભદ્રેશ મહેતા અને તેના પત્ની-પુત્રનો સમાવેશ થાય છે. કલ્પેશ ગોસ્વામી હાલ કચ્છના મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે કાર્યરત છે. પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્મા વિરૂધ્ધના કેસ, નલિયાકાંડ, ગુજસીટોકના કેસોમાં પણ સરકારે તેમની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરેલી છે. ઉપરાંત તેઓ કસ્ટમ્સ, DRI, સેન્ટ્રલ એક્સાઈઝ વગેરે જેવા કેન્દ્રીય વિભાગોમાં પણ સ્પે. પીપી તરીકે સેવા આપે છે.

જેન્તીએ અબડાસા તાલુકા ધિરાણ અને બચત મંડળીના નામે સાચા-ખોટાં 119 ખેડૂતોની મંડળી બનાવી કેરીના કલ્ટીવેશન પ્લાન્ટના નામે RBLની મહારાષ્ટ્રની મેઈન બ્રાન્ચમાંથી 30 કરોડની લોન મેળવી હતી. મંડળીના પ્રમુખ તરીકે જેન્તી ઠક્કર અને મંત્રી તરીકે ગિરિરાજસિંહ જાડેજા હતા. જ્યારે લોનમાં ગેરન્ટર તરીકે ભદ્રેશ ટ્રેડિંગ કોર્પોરેશનના ભદ્રેશ મહેતા, તેમના પત્ની હિનાબેન અને પુત્ર પાર્થ રહ્યા હતા. ખેડૂતોની મંડળીનું ખાતુ કેડીસીસી બેન્કની નલિયા બ્રાન્ચમાં હતું. લોનના નાણાં જમા થયા બાદ નલિયા બ્રાન્ચના મેનેજર સંજય ત્રિપાઠીની મદદથી મોટાભાગના નાણાં ભદ્રેશ ટ્રેડિંગ કોપોરેશન અને જેન્તીની કંપની અર્પિત ઈન્ટરનેશનલના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કેટલુંક ફંડ ચેકથી કાઢવામાં આવ્યું હતું. જેન્તી ઠક્કર તે સમયે કેડીસીસી બેન્કનો ડાયરેક્ટર હતો. લોન મંજૂર કરતાં પૂર્વે દસ્તાવેજોના વેરીફિકેશનની પ્રક્રિયા હાથ ધરનારા RBLના મેનેજર સ્તરના પ્રતીક શાહ અને મનીષકુમાર શાહ નામના ઑફિસરોને પણ આરોપીઓએ ફોડી દઈ કૌભાંડમાં સામેલ કરી દીધા હતા. CIDની તપાસમાં નલિયાકાંડના આરોપી ચેતન વિનોદભાઇ ભીડે અને મામદ સુમાર કુંભારની સંડોવણી પણ બહાર આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડના મોટાભાગના આરોપીઓ કેડીસીસી બેન્કના કૌભાંડમાં પણ સામેલ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution