ગાંધીનગર-

રાજ્ય સરકારમાં મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલને પાંચ વર્ષ પૂર્ણ થતા નવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં 6 ઓગસ્ટના દિવસે રોજગારી દિન તરીકેની ઉજવણી કરવામાં આવશે જેમાં સુરત ખાતે ૫૦ હજાર જેટલા યુવાનોને શિક્ષણ સહાયક નજર તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂકો હેઠળ નિમણૂક પત્ર પણ આપવામાં આવશે જ્યારે સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ રોજગાર દિનની ઉજવણી કરવામાં આવશે. 6 ઓગસ્ટે ‘રોજગાર દિવસ’ અંતર્ગત મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉર્જાપ્રધાન સૌરભ પટેલ તેમજ સાંસદ અને ભાજપ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 50 જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી શુભારંભ કરવામાં આવનાર છે. રાજ્ય સરકારે કોરોનાના કપરાકાળમાં પણ વિકાસ કામો સહિતના કામોની રફતાર જાળવી રાખી આ રોજગાર પ્રક્રિયા પૂર્ણ કરી છે તેના નિમણૂકપત્રો પણ આ દિવસે અર્પણ થશે. ‘રોજગાર દિવસ’ નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂકો હેઠળ અંદાજે 50 હજાર યુવાઓને નિમણૂકપત્રો પણ એનાયત કરાશે. આ દિને ‘અનુબંધમ્ રોજગાર’ પોર્ટલનો પણ સીએમ રૂપાણીના હસ્તે શુભારંભ થશે.