હવે આ રાજ્યમાં પણ ગુજરાતીઓને કોરોના નેગેટીવ રીપોર્ટ વિના એન્ટ્રી નહીં
07, માર્ચ 2021

અમદાવાદ-

રાજ્યમાં કોરોનાનો વાયરો ફરી ફૂંકાયો છે. આજુબાજુ વધી રહેલા કેસોથી લોકોનો જીવ તાળવે ચોંટી રહ્યો છે. ગુજરાત સહિત પાડોશી રાજ્યોમાં કોરોના વકરી રહ્યો છે. આવામાં કોરોનાના વધતા સંક્રમણના કારણે રાજસ્થાન સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત થી રાજસ્થાન જતાં પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કરાયો છે. મહારાષ્ટ્ર બાદ હવે રાજસ્થાન સરકારે પોતાની હદમાં એન્ટ્રી કરતા ગુજરાતીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવી દેવાયો છે.

રાજસ્થાનમાં ત્યાંની સરકારે 72 કલાક અગાઉનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ કરી શકશે તેવો નિયમ બનાવ્યો છે. સાથે જ ગુજરાતીઓેને હવે  આરટીપીસીઆર રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહિ મળે. આ માટે રાજસ્થાન સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન ટુરિઝમ પ્રખ્યાત છે. અહી દેશવિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે રાજસ્થાન સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ રાજ્યોના પ્રવાસીઓ માટે નિર્ણય કરાયો છે. ત્યારે હવે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોના વકરી રહ્યો છે. માર્ચ મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તે લહેર દેખાવવાની શરૂઆત થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 571 કેસ નોંધાયા. 24 કલાકમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે જ સુરતમાં 134, અમદાવાદમાં 124, વડોદરામાં 117 અને રાજકોટમાં 58 નવા કેસ નોંધાયા હોવાની માહિતી મળે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution