આણંદ : ભારત સરકારનાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા જવાહર નવોદય વિદ્યાલય ચલાવવામાં આવે છે. તદ્દઅનુસાર આણંદ જિલ્લામાં ભાદરણ ખાતે જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે. શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ માટે ધોરણ-૬માં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા તાજેતરમાં શરૂ કરવામાં આવી છે, જે આગામી તા.૧૫ ડિસેમ્બર,૨૦૨૦ સુધી ચાલશે. પ્રવેશ પરીક્ષા તા.૧૦ એપ્રિલ, ૨૦૨૧ને શનિવારના રોજ લેવામાં આવશે.  

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬માં પ્રવેશ મેળવવા માટે જે વિદ્યાર્થીઓ આણંદ જિલ્લાની સરકારી, અર્ધસરકારી કે સરકાર માન્ય ખાનગી શાળામાં ધોરણ-૫માં અભ્યાસ કરતાં હોય અને જેમનો જન્મ તા.૧ મે,૨૦૦૮થી ૩૦ એપ્રિલ, ૨૦૧૨ સુધીમાં થયો હોય તેવા વિદ્યાર્થીઓ ફક્ત નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશે. તેમજ વેબસાઇટમાં આપેલાં ધોરણ-૩થી ધોરણ-૫ની માહિતી માટેનું ફોર્મ અપલોડ કરીને વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિદ્યાર્થી અને વાલીની સહી અપલોડ કરી ફોર્મ સબમીટ કરાવવાનું રહેશે, તેમ જવાહર નવોદય વિદ્યાલય ભાદરણના આચાર્યએ એક યાદી દ્વારા જણાવ્યું છે.