05, જુન 2021
અમદાવાદ-
સોલા પોલીસ દ્રારા માસ્ક ન પહેરનાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હતી દરમિયાન એક બાઈક ચાલક સહીત બે લોકોએ દંડ ન ભરવાનું જણાવી પોલીસ સ્ટાફ સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. આ અંગે પોલીસે બે શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ટી.આર.અરબરી ચાંદલોડીયા પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહ્યા હતા. રાત્રીના સમયે ચાંદલોડીયા ભાગોળ મણીકાકા ચોક ખાતે પોલીસ સ્ટાફ સાથે માસ્ક વગરના લોકો પાસે દંડ ઉઘરાવવાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે એક બાઈક ચાલક માસ્ક પહેર્યા વગર ત્યાં આવતા તેમને રોકી દંડ ભરવાનું કહેતા અચાનક ઉશ્કેરાઈ ગયો અને તમારાથી થાય તે કરી લો હું દંડ નહીં ભરુ તેમ કહેવા લાગ્યો હતો બાઈકની પાછળ બેઠેલ મહિલા પણ ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગી હતી. જેથી પોલીસ સ્ટાફે તેમને શાંત રહેવા કહેતા ઉશ્કેરાયેલા બાઈક ચાલકે પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. દરમિયાન પોલીસને વધુ સ્ટાફ આવી જતા આ બંન્નેને પકડી નામ ઠામ પુછતા હરેશ મિસ્ત્રી અને શીતલબેન મિસ્ત્રી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંન્નેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અટકાયત કરી છે.