અમદાવાદ-

અરબી સમુદ્રમાં તાઉ તે વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારેથી 100 કિલોમીટર દૂર હોવા છતા, ગુજરાતના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફુકાઈ રહ્યો છે. તો ભારે તોફાની વરસાદ પણ વરસી રહ્યો છે.

ગુજરાતના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના જણાવ્યાનુસાર, તાઉ તે વાવાઝોડુ ભાવનગરના મહુવાથી પોરબંદર સુધીમાં દિવથી 20 કિલોમીટર પૂર્વ દિશામાં સોમવાર 17મી મેની રાત્રે ટકરાશે. વાવાઝોડુ જ્યારે જમીન ઉપર ટકરાશે ત્યારે પવનની ઝડપ 165 કિલોમીટરની હશે જે ક્યારેક વધીને 185 કિલોમીટર થવાની સંભાવના છે. તાઉ તે વાવાઝોડાની અસર આવતીકાલ સુધી ગુજરાતમાં વર્તાશે. તાઉ તે વાવાઝોડાની સંભવિત અસર પામનારા 17 જિલ્લામાં સવચેતીના પગલા લેવાયા છે. ગુજરાતના 17 જિલ્લાના 840 ગામમાંથી બે લાખ જેટલા લોકોનું અંદાજે 2000 આશ્રય સ્થાન ઉપર સલામત સ્થળાંતર કરાયું છે. સ્થળાતરીત કરાયેલા લોકોમાં સૌથી વધુ પાંચ જિલ્લાના લોકો છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ. અમરેલી, ભાવનગર સૌથી વધુ અસર પામનારા છે. આ પાંચ જિલ્લામાંથી 1.25 લાખ કરતા વધુનુ સ્થળાંતર કરાયુ છે. ગુજરાતમાંથી દરિયામા માછીમારી કરવા ગયેલા 19811 માછીમારો પરત ફર્યા છે. ગુજરાતમાં નોંધાયેલી એક પણ બોટ હવે દરિયામાં નથી. તમામ બોટ કિનારે લાગરી ચૂકી છે. મીઠાના અગરમાં કામ કરતા 11 હજાર અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોખમી લાગતા 668 હંગામી સ્ટ્રકચરને તોડી પાડવામાં આવ્યા છે. તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી11000થી વઘુ હોર્ડીગ્સને ઉતારી લેવાયા છે.