સુરત-

સુરતમાં પ્રથમવાર પુરુષના માથાના વાળથી લઈને પગના નખ સુધીની સંપૂર્ણ સર્જરી મહિલા બનાવવા થઈ છે. એમાં એક પુરુષને મહિલા તરીકે શારીરિક રૂપ આપવામાં આવ્યું છે. મુંબઈમાં જન્મેલા અને રહેતા આરવ પટેલે ૨૦ લાખ રૂપિયાના ખર્ચે ૧૦ સર્જરી કરાવી છે, જેથી તે પુરુષમાંથી મહિલા (આયશા) બની ગયો છે. આરવે આ સર્જરી સુરત ખાતે કરાવી છે. આરવના લગ્ન એક યુવક સાથે થયા હતા. ત્યાર બાદ બંનેએ પોતાની મરજીથી સર્જરી કરાવી એક(આરવ)ને મહિલા બનવાની સંમતિ આપી હતી.આરવ જ્યારે નાનો હતો ત્યારે તેને છોકરાઓની જગ્યાએ છોકરીઓનાં વસ્ત્રો પહેરવા ખૂબ જ ગમતા હતા. તેને ઢીંગલીઓ વધારે ગમતી હતી. નાનાપણમાં ખબર ન હતી કે તેને આવું શા માટે થઈ રહ્યું છે. પરિવારે તેના લગ્ન પણ બળજબરીથી એક યુવતી સાથે કરાવી તો દીધા પણ આખરે તેને છૂટાછેડા લેવા પડ્યા હતા. આરવ જાણતો હતો કે તે શારીરિક રીતે પુરુષ છે, પરંતુ અંદરથી એક મહિલા છે.આરવ પટેલની સુરતના રહેવાસી રોહન પટેલ સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. બન્ને વચ્ચે નિકટતા વધતી ગઈ અને વાત લગ્ન સુધી પહોંચી હતી. રોહન પટેલ અને આરવ પટેલે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ બંનેની સંમતિથી મહિલા બનવાની સર્જરી કરાઈ હતી. આરવ પટેલ એટલે આયશા પટેલે જણાવ્યું હતું કે જ્યારે તે ૬ વર્ષનો હતો ત્યારે તેને ખબર પડી કે તેને છોકરાઓને ગમતી વસ્તુ નહીં, પરંતુ છોકરીઓને ગમતી વસ્તુઓ પસંદ છે. હું પહેલેથી જ જાણતો હતો કે મારી અંદર એક મહિલા છે. મેં મારા પતિ સાથે વાત કરી અને પછી અમે નક્કી કર્યું કે હવેથી હું એક મહિલા બની જઈશ. હું ખૂબ જ ખુશ છું કે મેં જે સ્વપ્ન જાેયું હતું એ સાકાર થયું છે અને હું સંપૂર્ણપણે સ્થાયી જીવન જીવી રહી છું. હું મારા પતિ સાથે ખૂબ ખુશ છું.સુરતમાં પ્રથમવાર કોઇ પુરુષને સ્ત્રી સંપૂર્ણ રીતે બનાવવામાં આવી હોય એવી સર્જરી કરાવી છે. અત્યારસુધી અમદાવાદ-વડોદરા મુંબઈમાં સર્જરી થતી હતી.

સુરતમાં પહેલી વખત આ સર્જરી કરવા માટે તબીબોએ પણ તેમને માનસિક રીતે તૈયાર કર્યા હતા, કારણ કે તેમાં દર્દીને કોઈ નુકસાન ન થાય એનું પણ ધ્યાન રાખવાનું હોય છે, પણ જ્યારે આરવ આયશા બની ગયો ત્યારે તેની ખુશીનો કોઈ પાર નહોતો. રોહન અને આયશા આજે બંને ખુશ છે, કારણ કે તેઓ જેવી રીતે જીવવા માગતા હતા એ હવે ડોક્ટરોને કારણે શક્ય બન્યું છે. આયશા અને રોહન આજે તેમની દુનિયામાં ઘણા ખુશ છે. સર્જરી દરમિયાન જાે દર્દી સ્ત્રી બનવા માગે છે તો સ્તન સર્જરી કરવામાં આવે છે, જેમાં તેમની છાતીના વિસ્તારમાં સ્તન પ્રત્યારોપણ કરવામાં આવે છે અથવા જાે દર્દી પુરુષ બનવા માગે છે તો શસ્ત્રક્રિયા દ્વારા સ્તનને દૂર કરીને છાતી બનાવવામાં આવે છે. એ બાદ તેણે એક વર્ષ વિપરીત લિંગના કપડાં પહેરીને સમાજમાં રહેવું પડે છે. ટોપની શસ્ત્રક્રિયા પછી દર્દીએ સમાજ અને આસપાસના વાતાવરણમાં સમાયોજિત થવા માટે શરીરમાં થતા ફેરફારો સાથે જીવન જીવવું પડે છે. ટોપની શસ્ત્રક્રિયા ઊલટાવી શકાય છે, પરંતુ નીચેની શસ્ત્રક્રિયા સંપૂર્ણપણે બદલી ન શકાય એવી છે.