વડોદરા,તા.૩૦

વડોદરા શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત શહેરી બસ સેવાઓ પુરી પાડતી વિનાયક બસ સર્વિસ એજન્સી દ્વારા રક્ષાબંધનના દિવસે મેયર નિલેશસિંહ રાઠોડ દ્વારા બહેનોને મફત મુસાફરીની કરેલી જાહેરાતનો પૂર્ણતઃ અમલ ન કરતા અસંખ્ય મહિલા મુસાફરો મફત મુસાફરીથી વંચિત રહી ગઈ હતી. જેને લઈને ભારે ઉહાપોહ સર્જાતા અને આ બાબતની ફરિયાદો મેયર સુધી પહોંચતા આખરે મેયર દ્વારા તત્કાળ અધિકારીને તપાસ સોંપી હતી.જેમાં તથ્ય જણાતા વિનાયક બસ સર્વિસના સંચાલકોને આજના રક્ષાબંધનના દિવસે જે જે રૂટો પર બસ દોડાવવામાં આવી છે.એનો જીપીએસનો સમગ્ર ડેટા મંગાવવામાં આવ્યો છે.જેના આધારે કડક કાર્યવાહી હાથ ધરીને પગલાં લેવામાં આવશે એમ મેયર નિલેશસિંહ રાઠોડે લોકસત્તા જનસત્તા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. એની સાથોસાથ ઉમેર્યું હતું કે આ એજન્સીના કોન્ટ્રાક્ટનો સમયગાળો પૂર્ણ થઇ ગયો છે.ત્યારે એવા સમયે કરેલા આ પ્રકારના નાટક અને અમારા આદેશની અવગણનાને ગઁભીરતાથી લઈને આગળ શું કરવું એ બાબતનો વિચાર કરવામાં આવશે.

વડોદરા શહેરના મેયર ઉપરાંત ગુજરાતના તમામ મહાનગરો અને અન્ય નગરો જ્યા જ્યા શહેરી બસ સેવા કાર્યરત છે. ત્યાંના મેયરો અને પ્રમુખોએ રક્ષાબંધનના દિવસે બહેનોને માટે શહેરી બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત કરી હતી.પરંતુ સમગ્ર રાજ્યમાં માત્ર વડોદરા શહેરમાં શહેરી બસ સેવા પુરી પાડનાર વિનાયક એજન્સી દ્વારા મેયર નિલેશસિંહ રાઠોડ દ્વારા કરાયેલી જાહેરાતનો પૂર્ણતઃ અમલ કર્યો નહોતો.મેયરની જાહેરાત જાણે કે માર્કેટ મુખ્ય કચેરીની ચાર દીવાલો વચ્ચેની હોય એવો વ્યવહાર કરીને શેઠની શિખામણ ઝાપા સુધી જેવી અમલવારી કરી હતી.જેને લઈને રક્ષાબંધનના દિવસે જ વડોદરા શહેરની અનેક બહેનો શહેરી બસ સેવાની મફત મુસાફરીની સેવાથી વંચિત રહી ગઈ હતી. મોટાભાગની બહેનોને ગંતવ્ય સ્થાને પહોંચવાને માટે મોંઘી મુસાફરી કરવાની નોબત આવી હતી. ક્યાં તો કલાકો સુધી સીટી બસ ઉપલબ્ધ ન બનતા પહોંચવામાં અક્ષમ્ય વિલંબ થયો હતો. આને લઈને મહિલાઓમાં આક્રોશ જાેવા મળ્યો હતો.આમ મેયર દ્વારા રક્ષાબંધનના દિવસે શહેરી બસ સેવાનો લાભ લેનાર બહેનોને માટે કરવામાં આવેલ મફત મુસાફરીની જાહેરાતનો એજન્સી વિનાયકની આડોડાઈને લઈને ફિયાસ્કો થતો જાેવા મળ્યો હતો. જેને લઈને અનેક મહિલા મુસાફરો અટવાઈ પડ્યા હતા.જે સંસ્કારી નગરીમાં મહિલાઓનું સન્માન જાળવવા માગનારને માટે શરમજનક બાબત હોવાનું આક્રોશ વ્યક્ત કરતા રઝળી પડેલ મહિલા મુસાફરોએ જણાવ્યું હતું. ભુવો ધૂણે તો નાળિયેર ઘર ભણી નાખેઃવિનાયકના મેનેજરનો લૂલો બચાવ

વડોદરાની શહેરી બસ સેવામાં રક્ષાબંધનના દિવસે બહેનોને માટે મફત બસ મુસાફરી રહેશે એવી મેયરની જાહેરાત પછીથી પણ કોઈ અગમ્ય કારણસર વિનાયકના કર્તાહર્તાઓ દ્વારા મોટાભાગની બસો શટડાઉનમાં કે રીપેરીંગમાં મૂકી દઈને મફત મુસાફરીની સવલત પુરી પાડવામાં આડોડાઈ કરી હતી. આ વાસ્તવિકતા વચ્ચે વિનાયકના મેનેજરે જણાવ્યું હતું કે, ૧૭૫ બસ પૈકી ૧૫૦ કોન્ટ્રાક્ટમાં દોડે છે.જેમાંથી ૧૨૦ રૂટ પર હતી.૬૨ રૂટો ચાલુ હતા.માત્ર ૩૦ બસ બંધ હતી.મોટાભાગની બસો સ્ટેશન સામેના બસ સ્ટેન્ડથી કાર્યરત રહી છે. જનમહલમાં પાર્કિંગની અપૂરતી સવલત હોઈ ત્યાં બસો ઓછી જાય છે. આમ તેઓએ વિનાયક એજન્સીનો બચાવ કર્યો હતો.

અધિકારીઓના અહેવાલને આધારે શેહશરમ વિના કડક પગલાં ભરાશેઃ મેયર

વડોદરા શહેરના મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે વિનાયક બસ એજન્સી દ્વારા મારી સૂચના અને આદેશ છતાં રક્ષાબંધનના દિવસે બહેનોને મફત મુસાફરી કરાવવાને લઈને પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી નથી.આ અંગેની ફરિયાદ મારી સમક્ષ આવતા મેં તુર્તજ પાલિકાના સબંધિત અધિકારીને તપાસ કરવાને માટે સૂચના આપી દીધી હતી.આજે જેટલી બસો ફરી છે.એ તમામમાં જીપીએસ ફિટ કરેલા છે.જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. સમગ્ર દિવસ દરમ્યાન વડોદરામાં ક્યાં ક્યાં રૂટ પર કેટલી બસો ફરી, ક્યાં રૂટોમાં વધારે ફેરા માર્યા અને ક્યાં રૂટો કોરા ધાકડ રહયા એ તમામનો અભ્યાસ કર્યા પછીથી એનો રિપોર્ટ આવ્યા બાદ વિનાયક બસ એજન્સી સામે કેવા પ્રકારના પગલાં લેવા એ અંગે ગંભીરતાથી વિચારીશું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ૩૫ થી ૪૦ હજાર બહેનોએ મફત મુસાફરીનો લાભ ૧૨૦ રૂટ પર લીધો છે.

તહેવારોમાં એસટી વધુ બસો દોડાવે તો સીટી બસ કેમ નહિ?

સમગ્ર રાજ્યમાં કોઈઓપન તહેવારો કે પછીથી કોઈ ચોક્કસ વિસ્તારોમાં તહેવારો નિમિત્તે અને પ્રસંગો પાટ જેમ કે ભાદરવી પૂનમે અંબાજીને માટે અને એજ પ્રમાણે હોળી પર ડાકોરને માટે સમગ્ર રાજ્યમાંથી વિશેષ વર્ધીની બસો દોડાવવામાં આવે છે.જેથી મુસાફરોના ધસારાને પહોંચી વળાય. પરંતુ આ બાબત સારી રીતે જાણવા છતાં વડોદરા સીટી બસના સંચાલક વિનાયક દ્વારા કોઈપણ પ્રકારની બસ સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવાતા અસંખ્ય મુસાફરો રઝળી પડ્યા હતા.જેમાં મોટાભાગની મહિલાઓ હતી.જેઓ રક્ષાબંધન પર્વની ઉજવણીને માટે મફત બસ સેવાનો લાભ લઈને જવા માગતી હતી.