04, નવેમ્બર 2023
રાજપીપળા ઃ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ બાદ પોલિસે ચૈતર વસાવાના પત્ની, પીએ અને અન્ય ખેડૂતની ધરપકડ કરી હતી. બીજી બાજુ એડવોકેટ અને આમ આદમી પાર્ટીનાં નેતા ગોપાલ ઇટાલિયા સહિત અન્ય વકીલોની ટીમની દલીલ બાદ તમના રિમાન્ડ ના મંજૂર કરવામાં આવતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ફરિયાદને પગલે ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે રોષ ફેલાતા છે. ડેડિયાપાડાના વિવિધ વિસ્તારોમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. ડેડિયાપાડા બંધન એલાનને પગલે જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી છે. ડેડિયાપાડા બંધને સજજડ પ્રતિસાદ મળ્યો હતો.
ભાજપના આગેવાનોએ ડેડિયાપાડાના બજારો ખોલવા માટે વેપારીઓને અપીલ કરી હતી, તો બીજી બાજુ ચૈતર વસાવાના સમર્થકો પણ ડેડિયાપાડામાં ઉતરી પડ્યા હતા.જાેકે, ત્યાં હાજર પોલીસ ટીમે ચૈતર વસાવાના સમર્થકોને હટાવવામાં સફળતા મેળવી હતી.
ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો ઃ ગોપાલ ઇટાલિયા
એડવોકેટ અને આપ નેતા ગોપાલ ઇટાલિયા વકીલોની ટીમ સાથે ડેડિયાપાડા આવી પહોંચ્યા હતા. એમણે જણાવ્યું હતું કે ચૈતર વસાવા વિરુદ્ધ ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડેડિયાપાડા પોલીસે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા, પીએ જીતેન્દ્ર વસાવા અને અન્ય એક ખેડૂતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી અલગ અલગ કારણો દર્શાવી ૧૦ દિવસના રિમાન્ડની માગ કરી હતી. અમારી વકીલોની ટીમે આ કેસ ખોટો છે, ઉપજાવી કાઢેલો છે એવી રજૂઆત કરતાં ડેડિયાપાડા કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા છે.
ચૈતરે વનકર્મીઓને માર્યા, એ વાત ખોટી ઃ દેવેન્દ્ર વસાવા
નર્મદા જિલ્લા આપ ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ આક્રોશ સાથે જણાવ્યું કે ચૈતર વસાવાના કાકાની જમીન ખેડવા બાબતે માથાકૂટ થઈ છે, એ જમીન એમને વન અધિકાર કાયદા હેઠળ સનત મળેલી છે. સનત હોવાનાં કારણે તેઓ વર્ષોથી ખેતી કરે છે, તે છતાં વન વિભાગે ચૈતરભાઈના કાકાને ટાર્ગેટ કરી જમીનમાંથી કપાસ ઉખેડ્યો એટલે ચૈતર વસાવાએ વન કર્મીઓને બોલાવી નુકશાની બાબતે વાત કરી ત્યારે સમાધાન પણ થઈ ગયું હતું. તે છતાં ૫ દિવસ પછી ચૈતર વસાવાને ફસાવવા પ્લાનિંગ સાથે ધરપકડ અને સર્ચ વોરંટ વગર પોલીસની ૩૫ ગાડીઓ રાત્રે એમનાં ઘરે આવી ગઈ હતી.
ચૈતર વસાવાને સમર્થન કરતાં ભાજપના સભ્યો બંધ કરાવવા મેદાને ઃ મનસુખ વસાવા
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા વિરુદ્ધ કોઈ ખોટી ફરિયાદ નથી. પ્રજાને ગેરમાર્ગે દોરવા ચૈતર વસાવાના સમર્થકોએ બંધનું એલાન આપ્યું છે. બજાર બંધ ન રહે એ માટે મે પ્રયત્ન કર્યાં, વેપારીઓ પોતાની દુકાન ખોલે એટલે કેટલાંક લોકો એમનો ફોટો પાડી એવી ધમકી આપે છે કે તમે કાલે ક્યાં જવાના છો, જેથી વેપારીઓ બીકનાં માર્યા બજાર બંધ કરી દે છે. જેમણે વિધાનસભા ચૂંટણીમાં ચૈતર વસાવાને મદદ કરી છે, એવા ભાજપના કાર્યકરો પણ બજાર બંધમાં સમર્થન કરી રહ્યા છે. આવી વાત મને વેપારીઓએ રૂબરૂમાં કહી છે. આગામી સમયમાં પ્રદેશ સમક્ષ હું આવા ભાજપ કાર્યકરોને ખુલ્લા પાડીશ. ચૈતર વસાવા જાે ગુનેગાર ન હોય તો એણે સામે આવી ચેલેંજનો સામનો કરવો જાેઈએ, બજાર બંધ કરાવી વેપારીઓને નુક્શાન થાય એવું ન કરવું જાેઈએ.