વડોદરા,તા.૨૩   

વડોદરા મહાનગર પાલિકાના વિવિધ પ્રોજેક્ટો, સાઈટો, વોર્ડ ઓફિસો સહિતની મિલકતોની જાળવણી અને સુરક્ષાનું કામ કરતા સુરક્ષા કર્મીઓ પોતેજ પગારના મામલાને લાગે વળગે છે.ત્યાં સુધી સૌથી વધુ અસુરક્ષિત હોવાનું અનુભવી રહયા છે. જેને લઈને સુરક્ષા કર્મીઓને નિયમિત પગાર કરવાને માટે પાલિકાના કમિશ્નર પી.સ્વરૂપ સમક્ષ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી દ્વારા રજૂઆત કરાઈ છે. જેમાં જણાવ્યું છે કે, ઇજારદાર દ્વારા માસ પૂર્ણ થવા આવ્યો ત્યાં સુધી પગાર કરાયો નથી જેથી ઇજારદારને તાકીદ કરીને સુરક્ષા કર્મીઓને નિયમિત પગાર મળે એવી માગ કરી છે. પાલિકા કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પાલિકાની વિવિધ મિલ્કતો, તળાવો, બગીચાઓ વગેરેની જાળવણી અને સુરક્ષા માટે સિક્યુરિટીનો ઈજારો આપવામાં આવે છે. ત્યારે સિક્યુરીટીમાં ફરજ બજાવતા કર્મચારીઓનો બાકી પગાર ત્વરિત ચૂકવવા તથા દર મહિને નિયત તારીખે પગાર ચૂકવાય તે માટે જરૂરી સૂચના આપવા માટે રજૂઆત કરી છે. જેમાં જ્યારથી ઈજારો આપવામાં આવ્યો ત્યારથી વિવાદો હોવાનું જણાવ્યું છે. જેમાં ક્યારેક સિક્યુરિટીનો ઈજારો આપવાનો વિવાદ તો ક્યારેક કર્મચારીઓના પગારને લઈને વિવાદ થયેલા છે. આ નવી એજન્સી સૂરક્ષા કર્મીઓને પગાર ચૂકવ્યા પછીથી કર્મચારીઓ પાસેથી અમુક પગાર પરત લઇ લે છે. વધુ કલાકો કામ કર્યાની ફરિયાદો પણ આવ્યાનું ઉમેર્યું છે. ઓછા પગાર મેળવતા કર્મીઓનો પગાર નિયમિત અને સમયસર કરવા માગ કરી છે. ઇજારદાર સમયસર પગાર કરે એ જાેવાની જવાબદારી વહીવટની હોવાનું તેઓએ ઉમેર્યું હતું.