09, મે 2021
વડોદરા : સયાજી હોસ્પિટલમાં ૨૯ મ્યુકોરમાઈકોસિસની અસર ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. કોરોનાના બીજા વેવમાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનાની સાથે જીવલેણ મ્યુકોરમાઈકોસિસના નવા કેસો સામે આવી રહ્યા છે જેના ભાગરૂપે શહેરની સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૨૯ કેસો મ્યુકોરમાઈકોસિસની અસર ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવી છે. હાલ ચાર દર્દીઓ દાખલ પૈકી બે દર્દીઓ આંખ તેમજ જડબાની શસ્ત્રક્રિયા કરવા આજે તબીબોએ હાથ ધરી છે.
મ્યુકોરમાઈકોસિસના રોગ અંગે ઇએનટીના તજજ્ઞ અને સયાજી હોસ્પિટલના સુપ્રિ. ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે મ્યુકોરમાઈકોસિસ ફુગ સામાન્ય છે અને સામાન્યથી મધ્યમ રોગપ્રતિકારકશક્તિ ધરાવતા દર્દીને અસર કરતી નથી, પણ કોરોનાની સારવાર દરમિયાન અપાતા સ્ટીરોઈડના હાઈડોઝ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓની રોગપ્રતિકારકશક્તિ વધુ નબળી પાડે છે અને આ ફુગ શરીરમાં ઘૂસીને સક્રિય બની જાય છે. શહેરમાં ગત માર્ચના પહેલા અઠવાડિયા બાદ મ્યુકોરમાઈકોસિસના કેસો પણ ઝડપથી વધ્યા છે. એકવાર આ રોગ થયા પછી શરીરમાં ઝડપથી પ્રસરવા માંડે છે, જેનાથી ફેફસાં, મગજ તથા કિડનીને પણ નુકસાન પહોંચે છે. જાે ઝડપથી અને સમયસર સારવાર શરૂ ન કરવામાં આવે તો ગણતરીના દિવસોમાં જ દર્દીઓ મૃત્યુ પામે છે. ડો. ઐયરે વધુમાં ઉમેર્યું હતું કે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ હવે મ્યુકોરમાઈકોસિસના રોગનો ભોગ બની રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. પ્રથમ વેવ કરતાં સેકન્ડ વેવમાં મ્યુકોરમાઇકોસિસ સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હાલ સયાજી હોસ્પિટલમાં ઇએનટી વિભાગમાં અત્યાર સુધી ૨૯ દર્દીઓ સારવાર લઇ ચૂક્યા છે અને હાલ પણ ચાર દર્દીઓ દાખલ છે, જે પૈકી બે દર્દીઓ એક નયના (નામ બદલ્યું છે) યુવતીના આંખનું ઓપરેશન કરીને આંખ કાઢી નાખવામાં આવી હતી, જ્યારે બીજા એક રાજેશ (નામ બદલ્યું છે)ના દર્દીને તાળવા સુધી અસર પહોંચી જતાં તેની પણ તબીબોએ શસ્ત્રક્રિયા હાથ ધરી છે. આમ એક અઠવાડિયામાં ૨૦થી ૨૫ જેટલા મ્યુકોરમાઈકોસિસની અસર હેઠળ આવેલા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું તબીબે જણાવ્યું હતું.
મ્યુકોરમાઈકોસિસના વધી રહેલા કેસો મામલે કોર કમિટીની બેઠકમાં ચર્ચા
વડોદરા. સમગ્ર રાજ્યમાં ફંગસ ઈન્ફેકશન મ્યુકોરમાઈકોસિસના કેસો કોરોનાની જેમ ઝડપથી વધી રહ્યાો છે જે સ્થિતિને જાેતાં કોર કમિટીની મળેલ બેઠકમાં કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસિસ અંગે ચર્ચા કરાઈ હતી. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં અલાયદા વોર્ડ ઊભા કરાશે. એટલું જ નહીં, રૂા.૩.૧૨ કરોડના ખર્ચે એમ્ફોટેરિસીન ૫૦થી, એમ.જી.ના ૫૦૦૦ ઈન્જેકશન ખરીદવાનો ઓર્ડર અપાયો છે. સમગ્ર રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના ૧૦૦થી વધુ જેટલા કેસો નોંધાયા છે.
મ્યુકોરમાઈકોસિસના લક્ષણો
મ્યુકોરમાઈકોસિસના લક્ષણો અંગે ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, પેઢામાં અથવા તાળવામાં સોજાે આવે. પેઢામાંથી પરુ આવવું. દાંત અચાનક હલવાની શરૂઆત થવી. ઉપરના જડબાના તાળવામાં અને પેઢામાં હાડકું દેખાવવાની શરૂઆત થવી. આંખોમાં નીચેના ભાગે તથા ગાલ ઉપર સોજા આવવા. આ બધા કોવિડ ઈન્ફેકશન પછી થતા મ્યુકોરમાઈકોસિસના લક્ષણો હોઈ શકે છે. જાે આવા લક્ષણો સર્જાય તો ઈએનટી સર્જનનો સંપર્ક કરવો જાેઈએ એમ જણાવ્યું હતું.