નડિયાદ, તા.૯ 

ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનો સરકાર દ્વારા પ્રવાસનધામ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસના કામમાં વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ હાલ ડાકોરમાં ચાલી રહ્યાં છે. પ્રવાસન પ્રોજેક્ટની સમીક્ષા બેઠક ડાકોર સર્કિટ હાઉસમાં પ્રવાસન અને મત્સ્યઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રીએ ડાકોરમાં ચાલી રહેલાં પ્રોજેક્ટની વિગતો મેળવી તેમાં જરૂરી સૂચનો ગ્રામજનો પાસેથી માગ્યાં હતાં.

મંત્રીએ ડાકોરના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો સાંભળી પ્રોજક્ટ નાગરિકોને વધુ ઉપયોગી કેમ થાય તે અંગેની ચર્ચા કરી હતી. આ અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, ડાકોરમાં પ્રવાસન વિભાગ દ્વારા ત્રણ ફેઇઝમાં કામ કરવામાં આવ્યું છે. પ્રથમ ફેઇઝમાં રૂ.૨૦ કરોડના ખચેર્ તેમજ બીજા તબક્કામાં રૂ. ૧૨ કરોડના ખચેર્ પૂર્ણ થયેલી કામગીરીની સમીક્ષા કરી છે. ત્રીજા તબક્કાની કામગીરી માટે ડાકોર નગરવાસીઓની જરૂરીયાતો અને તેનાં અમલીકરણની સમીક્ષા કરવામાં આવી છે.

મંત્રીએ ડાકોર ગોમતી તળાવની પણ મુલાકાત લીધી હતી. તેમજ ગોમતી તળાવના બ્યુટીફિકેશન માટેની જરૂરીયાતો પદાધિકારીઓ, નાગરિકો તેમજ પ્રવાસીઓ પાસેથી મેળવી પરિસ્થિવતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, પ્રાંત અધિકારી તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, ડાકોર શહેરના પ્રમુખ તથા નગરપાલિકાના સદસ્યો, ડાકોરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ડાકોરના રાજા રણછોડના દર્શન કરી ધન્યાતા અનુભવી હતી.