ભૂજ, ભુજના મુન્દ્રા રોડ પર આવેલા શનિ મંદિર નજીક અંદાજિત ૧૫૦ કરોડના ખર્ચે આકાર પામેલી ૨૦૦ બેડની કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું ..કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને જિલ્લાના પદાધિકારીઓ, દાતા પરિવાર, સ્વામિનારાયણ મંદિરના સંતો અને લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શુભેચ્છા સંદેશની શરૂઆત જય સ્વામિનારાયણ બોલીને કચ્છી ભાષામાં ‘કિ આઈ યો “ એમ પૂછીને કરી હતી. . તેમણે કચ્છી લેવા પટેલ સમાજ, હોસ્પિટલના દાતા પરિવાર અને ટ્રસ્ટીમંડળને પણ આ સેવાકાર્ય બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે કચ્છની એક વિશેષતા છે કે તમે ગમે ત્યાં જાઓ અને ગમે તેને મળો, તમે ખાલી કચ્છી કહો એટલે પછી કોઈ તમને પૂછે નહિ કે તમે કયા ગામના છો કે કયા વિસ્તારના છો, તમે તરત ત્યાંના થઈ જાઓ. હવે કચ્છનો ક, કર્તૃત્વના ક તરીકે ઓળખાય એવી રીતે તમે પગલાં ભરી રહ્યા છો. કોઈને પણ જ્યારે મુસીબતના સમયે આપણે મળ્યા હોય ત્યારે તેની સાથેનો નાતો એકદમ અતૂટ બની જતો હોય છે. કચ્છમાં ભૂકંપના સમયે જે સ્થિતિ હતી એ પરિસ્થિતિમાં મારો તમારી સાથે એક અતૂટ નાતો જાેડાઈ ગયો હતો. એનું જ પરિણામ છે કે ના હું કચ્છ છોડી શકું કે ના કચ્છ મને છોડી શકે. કચ્છની જનતાને વર્ષોથી જેની પ્રતીક્ષા હતી એ અદ્યતન આરોગ્ય સુવિધા હવે ભુજ ખાતે ઉપલબ્ધ બની છે, જેનો સીધો ફાયદો ગંભીર બીમારી વખતે બહાર જતા દર્દીઓને સ્થાનિકે મળી રહેશે. તાકીદના સમયે દર્દીઓને અમદાવાદ અને રાજકોટ સુધી ધક્કા ખાવા પડતા હતા, જેમાં હવે રાહત મળશે. અમદાવાદની સિમ્સ હોસ્પિટલના સંચાલન હેઠળ આ હોસ્પિટલ કચ્છની આરોગ્ય સેવામાં પ્રથમ સુવિધા સાબિત થશે, એમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ૩૬ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિવિધ ગ્રાન્ટો પૈકી ૧૫માં નાણાપંચની રૂ.૩.૦૨ કરોડની ૨૧, રૂ.૧ કરોડની ડીએમએફ ગ્રાન્ટની ૭, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી રૂ.૮૫.૮૧ લાખની પાંચ અને અબડાસા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે તેમજ માંડવી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧ થઇને રૂ.૪૩.૧૫ લાખની ૩ આરોગ્ય એમ્બ્યુલન્સ થઇ કુલ ૩૬ એમ્બ્યુલન્સ રૂ.૦૫.૩૧ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવી છે.