18, ઓગ્સ્ટ 2021
સુરત-
કોરોનાની મહામારી વચ્ચે આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થયો છે. કોઈ વ્યક્તિએ આર્થિક સંકડામણમાં આવીને આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તો ક્યારેક કોઈ વ્યક્તિએ કોરોનાને ડરના કારણે આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે સુરતમાં કડોદરા વિસ્તારમાં એક સગર્ભા મહિલાએ ચોથા માળેથી કુદીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને પોલીસે મહિલાના ઘરમાં તપાસ કરી ત્યારે તેના ઘરમાંથી પુત્રનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આવતા સમગ્ર મામલે પોલીસે મહિલા અને તેના પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ સુરતના કડોદરા વિસ્તારમાં ગ્રીન સીટીમાં યુનિક એપાર્ટમેન્ટમાં વનિતા પાંડે નામની 30 વર્ષની મહિલા તેના પરિવારની સાથે રહેતી હતી. વનિતા પાંડે ગર્ભવતી હતી અને તેને ક્રિષ્ના નામનો એક અઢી વર્ષનો પુત્ર હતો અને મોટા પુત્રનું નામ આર્યન હતું. વનિતા કોઈ કારણોસર પોતાના ઘરમાં જ પુત્ર ક્રિષ્નાની હત્યા કર્યા બાદ પોતે ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઇને વનિતા પાંડેના દિયર રાજેશ પાંડેનું કહેવું છે કે, ભાભીએ આવું પગલું ભર્યું તે ખબર નથી. મહેશ ટેકસટાઈલમાં માસ્ટર તરીકે કામ કરે છે. તેઓ દસ વર્ષથી કડોદરામાં રહે છે કે લગ્ન બાદ તેઓ બે સંતાનો સાથે સુરતમાં રહેતા હતા. મોટા પુત્રનું નામ આર્યન અને નાના પુત્રનું નામ ક્રિષ્ના હતું. જેમાં ક્રિષ્નાનું મોત થયું છે અને આર્યન હાલ ઘરે છે. આ ઘટનામાં ભાભીના આપઘાત અને માસૂમ ક્રિષ્ના મોતનું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડી શકશે અને હાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.