સુરત-

આગામી દિવસોમાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે.આ ચૂંટણીઓ પૂર્વે જ દરેક રાજકીય પક્ષ દ્વારા અત્યારથી જ આક્ષેપ-પ્રતિ આક્ષેપનો મારો શરૂ થઇ ગયો છે.ત્યારે, ગુજરાતમાં આ વખતે પહેલી જ વાર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી મેદાનમાં ઉતરવાની છે અને તે અંગે તેઓએ તેમનું પ્રચાર કાર્ય પણ તેજ કરી દીધું છે.ગુરુવારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા તેમના પોલ ખોલ અભિયાન અંતર્ગત એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.જેમાં આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ પાલિકાના શાસકો પર આરોપની ઝડી વરસાવી હતી અને સુરત મહાનગર પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળ રાખવામાં આવેલા વાહનોના ચૂકવાયેલા ભાડાની વિગતો જાહેર કરવામાં આવી હતી.

પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે. મનપાના ભાજપ શાસકોએ વાહનોનું 4 ગણું વધુ ભાડું ચૂકવી જનતાના પૈસાનો ગેર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો .છે.જેમાં સુરત પાલિકા દ્વારા પાંચ વર્ષમાં 60.85 કરોડ રૂપિયા ભાડું ચૂકવવામાં આવ્યાની વિગતો તેમણે મીડિયા સમક્ષ આપી હતી. પાલિકાના શાસકોએ નવા વાહનની કિંમત કરતાં પાંચ ગણી વધારે કિંમતનું ભાડું ભાડેથી લીધેલા વાહન માલિકોને ચૂક્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.. જેમાં ભાજપી શાસકોની મીલિભગત સ્પષ્ટ પણ હોવાના આરોપ પણ તેમણે કર્યા હતા.મનપાએ 36 વાહનોનું કુલ 7,05, 72,157 રૂપિયા ભાડું ચૂક્યું છે જે વાહનની કિંમત કરતા 4 ગણું હોય શાસકપક્ષ દ્વારા આ મામલામાં ભ્રસ્ટાચાર આચરવામાં આવ્યો છે.શહેરના પૂર્વ મેયર ડો.જગદીશભાઈ પટેલ દ્વારા મનપાની ઓફિસથી ઘર સુધી 1765 દિવસમાં બે વખત આવ જ કરે તો 26,828 કિલોમીટર વાહન ચાલ્યું હોય તેના બદલે તેમનું વાહન 1,42,177 કિલોમીટર ચાલ્યું છે જેથી, તેઓએ વધારાના કિલોમીટર ચલાવી સામાન્ય માનવીના પરસેવાના પૈસાનો ગેર ઉપયોગ કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે આ મુદ્દાઓ સિવાય અનેક મુદ્દાઓ પણ રજૂ કર્યા હતા અને શાસકપક્ષ દ્વારા ભ્રસ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો કર્યા હતા.