સુરત-

જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયત, તમામ 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી જાહેર થતાંની સાથે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. બારડોલી નગરપાલિકામાં 'નો રિપીટેશનની' ફોર્મ્યુલા અપનાતાં કેટલાક ટિકિટ વાંચ્છુક વર્તમાન નગરસેવકોમાં સોપો પડી ગયો છે. બારડોલી નગરપાલિકામાં માત્ર 4 નગરસેવકોને જ રિપીટ કરવામાં આવ્યા છે.તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો મહુવા તાલુકા પંચાયતની 2 બેઠક અનાવલ અને ઉમરા પર ઉમેદવારોની જાહેરાત બાકી છે, જ્યારે માંડવી નગરપાલીકાના વોર્ડ નંબર 3 અને કડોદરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં એક બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠકો પર ટિકિટને લઈને ચાલી રહેલી મડાગાંઠને કારણે જાહેરાત અટકી હોવાનું જાણવા મળે છે. સુરત જિલ્લા ભાજપ દ્વારા બુધવારે મોડી સાંજે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના ઉમેદવારોની જાહેર કરવામાં આવી હતી. જેમાં 'નો રિપીટેશન' ફોર્મ્યુલા અપનાવવામાં આવ્યો હતો.