સુરત-

બદલાતા વાતાવરણની પરિસ્થિતિમાં હવામાનની જાણકારીના અભાવે ખેડૂતોએ ખેતીમાં મોટું નુકસાન સહન કરવું પડે છે. વિપરીત હવામાનની પરિસ્થિતિમાં ઓછા નુકસાન અને વધુ પાક ઉત્પાદન મેળવવા માટે જો હવામાનની અગાઉથી જાણકારી હોય તો જરૂરી પગલાં લઈ શકાય. ભારત મૌસમ વિભાગ, ભારતીય કૃષિ અનસંધાન પરિષદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના નેજા હેઠળ જિલ્લા કૃષિ હવામાન એકમના સંયુકત પ્રયાસોથી સુરત જિલ્લાના ખેડૂતો માટે સપ્તાહમાં બે દિવસ દર મંગળવાર અને શુક્રવારના રોજ કૃષિ હવામાન બુલેટિન બહાર પાડવામાં આવે છે. આ બલેટિનમાં આગામી પાંચ દિવસમાં હવામાન કેવું રહેશે, વરસાદ થશે કે નહીં, કયા દિવસે કેટલો વરસાદ પડશે, દિવસ અને રાત્રિનું તાપમાન, હવામાં ભેજનું પ્રમાણ, પવનની દિશા તેમજ પવનની ઝડપ વિગેરેની માહિતી આપવામાં આવે છે.

આ ઉપરાંત વર્તમાન ખેતી પાકોમાં સમય અનુસાર તેમજ હવામાન પરિસ્થિતી અનુસાર રાખવી પડતી કાળજીની માહિતી આપવામાં આવે છે. વાવેતર વખતે પાકની જાતોની પસંદગી, પાયાના ખાતર, ઊભા પાકમાં રોગ- જીવાત અને તેના નિયંત્રણની વિગતવાર માહિતી આપવામાં આવે છે. આ કૃષિ હવામાન બુલેટિન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જનકર્સિંહ રાઠોડ પાક સંરક્ષણ વિભાગના ડો.સેહુલ ચાવડા, પ્રો. સુનિલ ત્રિવેદી (પાક ઉત્પાદન વિભાગ), ડો.રાકેશ પટેલ (વિસ્તરણ વિભાગ), ભક્તિબેન પંચાલ (બાગાયત વિભાગ), અભિનવ પટેલ (કૃષિ-હવામાન વિભાગ) અને ધવલ પટેલ (હવામાન નિરીક્ષક)ના સંયુક્ત માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવે છે. આ બુલેટિન ખેડૂતોને સરળતાથી મળી તે માટે મેઘદૂત મોબાઇલ એપ બનાવવામાં આવી છે. ખેડૂતમિત્રો હવામાનની આગાહી તેમજ સુરતમાં પાછલા દિવસોમાં હવામાનની સ્થિતિની માહિતી પણ આ એપ દ્વારા સરળતાથી મેળવી શકે છે. આપના વિસ્તારના હવામાનની માહિતી સમયસર મેળવવા ખેડૂતમિત્રોને નીચે આપેલ બારકોડ સ્કેન કરી વોટસએપ ગૃપમાં જોડાવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા અનુરોધ કરાયો છે.