સુરત-

શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી OYO હોટલમાં યુવતી પોતાના પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા ગઈ હતી. રાત્રે સૂતા બાદ યુવતી સવારે ઉઠી નહોતી. પ્રેમીએ યુવતીના પરિવારને જાણ કરી હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યા ડોકટરોએ તપાસ બાદ યુવતીને મૃત જાહેર કરી હતી. યુવતીના મોતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે, ક્યાં સંજોગોમાં યુવતીનો મોત નિપજ્યું છે તે અંગેના તમામ પાસાઓને ધ્યાનમાં રાખી પોલીસ પૂછપરછ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. 22 વર્ષીય તન્વી દિલીપભાઈ ભાદાણી કતારગામ ખાતે રહે છે અને હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી.

નવા વર્ષની ઉજવણી માટે તન્વી તેના પ્રેમી પંકજ સાથે પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયા હતા. પંકજ ગોહિલ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો છે. નવા વર્ષની ઉજવણી કર્યા બાદ શનિવારે સવારે ઊંઘમાંથી નહિ ઉઠતા પંકજે યુવતીના પરિવારને જાણ કરી 108માં તેણીને સિવિલ લઈ આવ્યા હતા. તન્વીના પિતા દિલીપ ભાદાણી ડાયમંડ પાર્ટ્સની દુકાન ચલાવે છે. તન્વી પરિવારની એકની એક દીકરી હતી. તન્વીના રહસ્યમય મોતને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો છે.