સુરત: વોર્ડ નં.3માં કોંગ્રેસનો એક જ ઉમેદવાર, ભાજપ અને AAP આમને-સામને
15, ફેબ્રુઆરી 2021

સુરત-

સુરતમાં 25 વર્ષથી શાસન ભોગવતા ભાજપ સામે આપના નવા ઉમેદવારોની રણનીતિ શું છે, તેની ઉપર સૌ કોઈની નજર છે. ચૂંટણી શાખામાંથી મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર ત્રણમાં કુલ 1,54,559 મતદારો છે. તે પૈકી પાટીદાર સમાજના 1,26,540, જ્યારે પછાત વર્ગના 14131 મતદારો છે. વર્ષ 2015ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનનો માહોલ હતો અને ભાજપ સામે પાટીદારોમાં નારાજગી હતી. ત્યારે પાટીદાર અનામત સમિતિના ટેકાથી કોંગ્રેસ ઉમેદવાર જીત્યા હતા. આ વોર્ડમાં પાટીદાર આંદોલન સાથે જોડાયેલા યુવાનોનું જોર છે. અત્યાર સુધી ભાજપનો ખુલીને વિરોધ કરતા પાટીદાર યુવાનો હવે કોંગ્રેસ સામે પણ બાંયો ચડાવી છે. કોંગ્રેસે પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી હોય તેમને હરાવી શું એવા મેસેજ આ યુવાનો સોશિયલ મીડિયામાં ફેરવી રહ્યા છે. ગયા વખતે પાસના સમર્થનના પગલે વરાછામાં કોંગ્રેસ 23 બેઠક જીત્યું હતું, પરંતુ આ વખતે પાટીદાર યુવાનો પરોક્ષ રીતે આમ આદમી પાર્ટીને સમર્થન કરી રહ્યા છે. સુરતમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વોર્ડ નંબર-3 વરાછા, સરથાણા, સીમાડા, લસકાણામાં આ વખતે સુરત મનપાની ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે સીધી લડાઈ છે. વર્ષ 2015ની ચૂંટણીમાં કોંગ્રેસના ચાર ઉમેદવારો આ વોર્ડમાંથી જીત્યા હતા. જોકે, આ વખતે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી લડાઈ જામી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution