સુરત-

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ધોબીના ખાંચામાં આવેલી મિત આર્ટ નામની રેડિયમની એક દુકાનમાં શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યા આસપાસ રેડિયમ કટિંગ કરતા સમયે એલપીજી સિલિન્ડર લીકેજ હોવાના કારણે બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં એક યુવકને ગંભીર ઈજા થઈ હતી. જોકે, ફાયર બ્રિગેડે ત્વરિત ગતિએ પહોંચીને આગને અંકુશમાં લીધી હતી.આ ઘટનામાં ધડાકાભેર બ્લાસ્ટના કારણે આજુબાજુના વેપારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા

ફાયર ઓફિસર પંકજ પટેલે આપેલી જાણકારી મુજબ શહેરના અડાજણ ગામમાં કલાપી ગાર્ડન પાસે આવેલા ધોબી ખાંચામાં આવેલી મિત આર્ટ નામની રેડિયમની એક દુકાનમાં રેડિયમ કટીંગ કરતા સમયે મશીનમાં આગ લાગવાથી ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે થોડા સમય માટે ત્યાં લોકોમાં ગભરાટ સાથે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.આગના કારણે ત્યાં કામ કરી રહેલા અફરોઝ નામનો યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે હાલ તેને અડાજણ સ્થિત બીએપીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.એલપીજી સિલિન્ડરમાં લીકેજ થવાના કારણે આ આગ લાગી હોવાનું તેમણે જણાવ્યું હતું.