સુરત, તા. ૦૮ 

બે નગરપાલિકા અને ૨૭ ગ્રામપંચાયત વિસ્તારોના સુરત મનપામાં સમાવેશ બાદ આજે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી હાઉસિંગ વિભાગ દ્વારા સુરત મનપામાં વોર્ડની સંખ્યા અને સભ્યોની સંખ્યા બાબતેનું જાહેરનામું પ્રસિદ્‌ધ કરાયું છે. સુરત મનપામાં હવે નવી ચૂંટણીમાં કુલ ૩૦ વોર્ડ રાખવામાં આવ્યા છે. દરેક વોર્ડમાં ચાર સભ્ય રહેશે.૫૦ ટકા સીટો મહિલા અનામત છે. હાલ મનપામાં ૨૯ વોર્ડ અને ૧૧૬ સભ્યો છે. આમ હદ વિસ્તરણ બાદ સુરત મનપામાં વોર્ડની સંખ્યા કુલ ૩૦ રહેશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનને પગલે કલેક્ટર તરફથી પરિપત્ર ઇસ્યુ થશે અને નવા હદવિસ્તરણ પ્રમાણે કુદરતી બાઉન્ડ્રી, ટી. પી. સ્કીમો, મુખ્ય રસ્તાઓને ધ્યાનમાં લઇ ૨૦૧૧ના સેન્સેસ મુજબ નવેસરથી વોર્ડ સીમાંકન હાથ ધરાશે. નવેમ્બરમાં મનપાની ચૂંટણી યોજાશે. જાહેરનામા મુજબ કુલ ૧૨૦ સભ્યો પૈકી ૩ બેઠકો એસ. સી કેટેગરી માટે અને આ ત્રણ બેઠકો પૈકી બે બેઠકો મહિલા માટે અનામત રખાશે, ૪ બેઠકો એસ.ટી કેટેગરી માટે અને તે પૈકી બે બેઠકો મહિલાઓ માટે અનામત, ૧૨ બેઠકો બેકવર્ડ ક્લાસ (બીસી) માટે અને તે પૈકી ૬ બેઠકો મહિલા અનામત રાખવામાં આવશે.