સુરત-

કોરોનાની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ થયું છે. આથી શહેરની બહારથી આવતા લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે, શહેરના વાલક પાટિયા પાસે ખાનગી બસોને અટકાવી બહારથી આવી રહેલા લોકોનું ફરજીયાત ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. દરરોજ રેલવે સ્ટેશન પાર આવતા લોકોમાંથી 10 થી 15 લોકો પોઝિટિવ આવી રહ્યા છે.

શહેરમાં દિવાળી બાદ અચાનક કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કફર્યુની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ સુરતમાં પરિસ્થતિ વણસે નહીં, તે માટે તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. શહેરના વાલક પાટિયા પાસે મનપાની આરોગ્ય ટીમને તૈનાત કરાઈ છે. શહેરની બહારથી બસ અને કારમાં આવતા લોકોને અટકાવી તેઓમાં લક્ષણ દેખાય તો ફરજીયાત ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે, ખાનગી બસને પણ રોકાવી પ્રવાસીઓના ખાસ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે, તેમજ લોકો સાથે કોઈ વાતને લઈને ઘર્ષણ ન થાય તે માટે પોલીસનો કાફલો પણ તૈનાત કરાયો છે.દૈનિક 15, 000 રેપિડ ટેસ્ટિંગ શહેરના રેલવે સ્ટેશન પર રોજ એક ટ્રેનથી 700 લોકો આવે છે, રેલ્વે સ્ટેશન પર દિવસ દરમિયાન અનેક આવતી હોય છે, જેથી અહિં આવતા લોકોનું ટેસ્ટ કરવામાં આવે છે જેમાંથી રોજ 10 થી 15 યાત્રીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. રેલવે સ્ટેશન બાદ બસ સ્ટેશન અને ટોલનાકા પર પણ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. ટેસ્ટિંગ બાદ કોરોના પોઝિટિવ આવતા દર્દીઓને પાલિકા દ્વારા સુરતની સમરસ હોસ્ટેલમાં લઈ જવામાં આવે છે. સુરતમાં રોજ 15 હજાર ટેસ્ટ કરવામાં આવે છે.