સુરત: લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો, સગીર પ્રેમિકા પ્રેગ્નેન્ટ થતાં પ્રેમીએ તરછોડી દીધી
19, ફેબ્રુઆરી 2021

સુરત-

સુરતમાં લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકે સગીરા સાથે લગ્નની લાલચે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદમાં સગીરા પ્રેગ્નેન્ટ થઈ જતા યુવકે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો અને પ્રેમિકાને તરછોડી દીધી હતી. એટલું જ નહીં, પ્રેમીએ તેની પ્રેમિકાને જીવથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ મામલે પ્રેમિકાએ તેના પ્રેમી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે શારીરિક સંબંધ બાંધી તરછોડી દેવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. યુવતી કે સગીરા પ્રેગ્નેન્ટ થતા જ પ્રેમી પલટી મારે છે અને લગ્નનો ઇન્કાર કરીને તરછોડી દે છે. શહેરમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. આ આખો બનાવ પોલીસ મથકે પહોંચ્યો છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં સુરતના પાંડેસર વિસ્તારમાં આવેલા તેરેનામ રોડ પુનિતનગર ખાતે રહેતો ભરત રાજુ પાટીલ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ભરતની તેના જ વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે આંખ મળી ગઈ હતી. સમય જતાં બંને વચ્ચે પ્રેમ વધારે ગાઢ બન્યો હતો. ભરત સગીરાને હંમેશા એવું કહેતો હતો કે તે તેની સાથે લગ્ન કરી લેશે.

એટલું જ નહીં, ભરત અવારનવાર સગીરાનું શારીરિક શોષણ પણ કરતો હતો. આવી જ રીતે બાંધેલા શીરીરિક સંબંધને પગલે સગીરા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. પોતે પ્રેગ્નેન્ટ હોવાની જાણ સગીરાએ તેના પ્રેમી ભરતને કરી હતી અને તેની સાથે લગ્ન કરી લેવા જણાવ્યું હતું. જાેકે, આ જ સમયે ભરતે પલટી મારી હતી અને પ્રેગ્નેન્ટ સગીરા સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

ભરતે તરુણીને માર મારીને પોતાના ઘરેથી પણ ભગાડી મૂકી હતી. આટલું ઓછું હોય તેમ પ્રેગ્નેન્ટ હોવા મામલે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તરુણીએ આ સમગ્ર વાત પોતાના પરિવારને કરતા પરિવાર તરુણીના પડખે ઊભો રહ્યો હતો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનું નક્કી કર્યું હતું. આ મામલે સગીરાની ફરિયાદ બાદ પાંડેસરા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution