સુરત: ટ્રાફિક પોલીસના રૂ. 1 કરોડના ક્રેન કૌભાંડમાં આખરે DGPના તપાસના આદેશ
27, ઓક્ટોબર 2020

સુરત-

લોક ડાઉન દરમિયાન 23 કેનની કોઈ કામગીરી ન હોવા છતાં શહેર ટ્રાફિક પોલીસે રૂ. 1.02 કરોડ ચૂકવી દીધા હોવાનો ખુલાસો આરટીઆઈ મુજબ માગેલી વિગતોમાં થયો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટે આ મુદ્દે ભ્રષ્ટાચાર થયો હોવાની અને તપાસ કરવાની રજૂઆત ડીજીપી, એન્ટિ કરપ્શનના વડા અને સુરત પોલીસ કમિશનરને કરી હતી. જેના આધારે રાજ્યના પોલીસ વડાએ સુરતના પોલીસ કમિશનરને સમગ્ર મામલે તપાસ કરાવવાનો આદેશ કર્યો હતો. જેના પગલે પોલીસ કમિશનરે એક સક્ષમ અધિકારીને તપાસ સોંપી હોવાનું જાણવા મળ્યું છે.

આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય એઝાવાએ માહિતી માગી હતી તે મુજબ લોક ડાઉન દરમિયાન અને અનલોક ડાઉનના સમયગાળામાં મળી ટ્રો ક્રેનને રૂ. 1 કરોડ બે લાખ ચૂકવવામાં આવ્યા હતા. જેમાં એ સ્થિતિ પણ સ્પષ્ટ થઈ હતી કે સુરત શહેર ટ્રાફિક શાખાના મદદનીશ પોલીસ કમિશનર (વહીવટ)એ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે ક્રેન પાસેથી કોઈ કામગીરી લેવામાં આવી ન હોવાથી ભાડૂં ચૂકવવું જોઇએ નહીં. એસીપીના આવા સ્પષ્ટ અભિપ્રાય પછી પણ ડીસીપી પ્રશાંત સુંબેએ પોતાની સત્તાનો ઉપયોગ કરી આ રકમ ચૂકવી આપી હતી. જેના કારણે સમગ્ર ઘટનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવતા સંજય એઝાવાએ મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના પોલીસ વડા, એન્ટિ કરપ્શનના વડા અને સુરતના પોલીસ કમિશરને અરજી કરી તપાસ કરાવવાની માગણી કરી હતી. દરમિયાન આ બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે તપાસ કરાવવા માટે સુરતના પોલીસ કમિશનરને આદેશ કરવામાં આવ્યો છે. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution