સુરત -

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે રહેતા યુવાનની ત્રણ વર્ષ અગાઉ કોઈ અજાણ્યા શખ્સે ગાળાના ભાગે તીક્ષ્‍ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી. જે ગુનામાં સંડોવાયેલ એક શખ્સને કડોદરા પોલીસે પ્રિયંકા ગ્રીનસિટી સોસાયટી નજીકથી ઝડપી પાડ્યો હતો. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ડીટેઇન કરી ગુનામાં વપરાયેલ મોટર સાયકલ પોલીસે કબ્જે કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા-10-05-2017ના રોજ રાત્રિના સમયે કડોદરા ગામની સીમમાં હરિધામ સોસાયટી સામે રોડ ઉપર કોઈ અજાણ્યા શખ્સે સુધીરકુમાર રાજદેવસિંગ સિંગ ને ગળાનાભાગે કોઈ તીક્ષ્‍ણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરી ભાગી છૂટ્યો હતો. ઘટના અંગે મરણજનારના ભાઈ મનીષકુમારે કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે કડોદરા પોલીસે તપાસ હાથ ધરતા તેમણે બાતમીના આધારે કડોદરા ખાતે આવેલ પ્રિયંકા ગ્રીનસિટી સોસાયટી નજીક રોડ ઉપરથી હત્યા કરનાર એક શખ્સ સિદ્ધાર્થ ઉર્ફે સોનું ઉર્ફે મુસ્તફા સંજયભાઇ ભગવાનભાઈ કાપુરે (હાલ રહે, ડીંડોલી, સી.આર.પાટીલ રોડ, માનસી રેસીડન્સી, સુરત શહેર, મૂળ રહે, ટૂનચાળે ગામ, તા-ચોપડા, જી-જલગાવ) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ડીટેઇન કરી તેમની પાસેથી એક મો.સા નંબર જીજે-19-એકે-8953 કબ્જે કરી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ નિતિન ઉર્ફે રાધે ઉર્ફે નિત્યો ગુલાબભાઈ પાટીલને વોંટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

હત્યાના ગુનામાં પકડાયેલ શખ્સ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા વોંટેડ આરોપી નિતિન ઉર્ફે રાધે આ ત્રણે આરોપી રાત્રિ દરમ્યાન મોટરસાયકલ ઉપર ફરવા નીકળ્યા હતા. તે સમયે લઘુશંકા કરવા માટે હરીધામ સોસાયટી તરફ જતાં ત્રણ રસ્તા પાસે ઊભા હતા તે દરમ્યાન સુધીર સિંગ ત્યાંથી પસાર થતો હોય તેની પાસેથી આ ત્રણે શખ્સોએ મોબાઈલ ફોન ઝૂંટવવાની કોશિશ કરતાં સુધીરે તેઓનો પ્રતિકાર કરતાં તેને ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી.