સુરત-

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકીય સ્પર્ધાનો માહોલ જામ્યો હોય તેવું દિન પ્રતિ દિન થઇ રહ્યું છે.બંને પક્ષોમાં અગ્રણીઓ, કાર્યકર્તાઓની આવન જાવન ચાલી રહી છે.ત્યારે, સુરત જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ બટુક વાડોદરિયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.તેઓને પ્રાથમિક સભ્ય પદેથી પણ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે.જોકે, બીજી તરફ બટુક વાડોદરિયાએ આમ આદમી પાર્ટી હવે "આમ આદમી પાર્ટી નથી, ચાર આદમી પાર્ટી છે" તેવા આક્ષેપો કર્યા છે અને ગાંધીનગર ખાતે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના હસ્તે તેના સમર્થકો સાથે કેસરિયો ધારણ કરી લીધો છે. આમ, સુરત શહેરમાં આપ માં ગાબડું પડ્યું છે.

આમ આદમી પાર્ટીની પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર આપ ના જિલ્લા પ્રમુખ બટુક વાડોદરિયા સુરત જિલ્લાના કાર્યકર્તાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓને પાર્ટી વિરુદ્ધ ભડકાવી રહેલ છે અને છેલ્લા ઘણા સમયથી છુપી રીતે ભાજપની તરફેણ અને મદદ કરી રહ્યા છે.પાર્ટીના પદાધિકારીઓમાં અસંતોષ પેદા થાય તેવી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ કરી રહ્યા છે.પાર્ટી વિરુદ્ધની તેમની પ્રવૃત્તિ બદલ તેમને પાર્ટીના જિલ્લા પ્રમુખ પદ પરથી અને પ્રાથમિક સભ્ય પદેથી તાતકાલિક અસરથી દૂર કરવામાં આવે છે.