સુરત-

સુરતમાં રહેતા ઉષા સુરતીના લગ્ન અંકલેશ્વર ખાતે રહેતા રાજેશ ચૌહાણ સાથે વર્ષ 2017માં થયા હતા. બંન્નેનું લગ્નજીવન થોડો સમય સારી રીતે ચાલ્યું હતું પણ બંન્ને વચ્ચે નાની નાની બાબતોએ ઝઘડો અને કંકાસ થતા રહેતો જેથી પત્ની પિયરે રહેવા માટે આવી ગઇ હતી.પત્ની પિયરે આવી ગયા બાદ પતિ અને તેમના પરિવારજનોએ શારીરિક-માનસિક ત્રાસ આપેલા બાબતે સુરત કોર્ટમાં ઘરેલું હિંસા અધિનિયમ અન્વયે અરજી દાખલ કરી, જ્યારે પતિએ પત્નીને તેડી જવા માટે અંકલેશ્વર મુકામે દાવો કર્યો હતો. જે બંન્ને કેસો ચાલતા હતા તે દરમિયાન સમાજના વ્યક્તિઓ સમાધાન માટે વચ્ચે પડેલા અને બંન્ને પક્ષકારો વચ્ચે મનમેળ ન રહેતા છુટા પડવાનું નક્કી કર્યું હતું, છુટાછેડાનો લેખ કરીને બંન્ને પક્ષકારો સામાજિક રીતે છુટા થયા હતા.

સામાજિક રીતે છુટાછેડા લઇ લીધેલા પણ કાનુની કામકાજમાં સામાજિક રીતે પેપર્સ પર થયેલા છુટાછેડા માન્ય ગણવામાં આવતા નથી. જેથી અરજદાર પત્નીને તેમના એડવોકેટ પ્રિતી જીજ્ઞેશ જોષી દ્વારા કોર્ટમાં ફેમીલી કોર્ટ એક્ટની કલમ 34 મુજબ પત્નીએ સામાજિક રીતે થયેલા છુટાછેડાને કાયદાકીય મંજુરી મેળવવા માટે સુરત ફેમિલી કોર્ટમાં સામાજિક રીતે થયેલા છુટાછેડાને કાયદેસરની મંજુરી મેળવવા માટે દાવો દાખલ કરાયો હતો. જે દાવો ચાલી જતા સુરત ફેમિલી કોર્ટના જજ કે.જે. દસોંડી એ સામાજિક રીતે થયેલા છુટાછેડાને કાયદેસરની મંજુરીની મ્હોર મારી અરજદાર પત્નીએ કરેલો દાવો મંજુર કર્યો હતો.