સુરત-

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે સુરત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.જેને લઈને ધરતીપુત્રો અને તંત્રમાં રાહત સાથે આનંદની લાગણી છવાઈ છે.ઉકાઈ ડેમમાં હાલ ઈનફ્લો 1.07 લાખથી વધારે નોંધાવા પામ્યો છે. ડેમની સપાટી 322.01 ફૂટ પર પહોંચી ચુકી છે.ઉકાઈ ડેમની વધી રહેલી સપાટી પર તંત્ર ચાંપતી નજર પણ રાખી રહ્યું છે.ડેમમાંથી હાલ 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટથી 10 ફૂટ દૂર છે. સુત્રોથી મળી રહેલી જાણકારી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા 4-5 દિવસથી પડી રહેલા દેમાર વરસાદના કારણે તેમજ મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ડેમની સપાટી સતત વધી રહી છે.ડેમના ઉપરવાસમાં આવેલા ટેસ્લામાં 46 મીમી, ચીખલધારામાં 77 મીમી, લખપુરીમાં 25 મીમી, સારનખેડામાં 37 મીમી, બુરહાનપુરમાં 12 મીમી વરસાદ નોંધાવા પામ્યોછે. મહારાષ્ટ્રના હથનુર ડેમની સપાટી હાલ 209 ફુટે પહોંચી છે.બીજી તરફ સમગ્ર ગુજરાતમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે.ત્યારે ડેમની સપાટી હજુ પણ વધે તેવી સંભાવના છે.