સુરેન્દ્રનગર-

સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન થવાનું છે. દરમિયાન આ મતદાન પહેલાં જ જિલ્લામાંથી ઘાતકી હથિયારો અને તેના સરંજામ સાથે ત્રણ શખ્સો ઝડપાયા છે. જિલ્લા એલસીબીએ આ શખ્સો પાસેથી હથિાર કબ્જે કર્યા છે. બનાવની વિગતો એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગના બનાવો વધતા રાજકોટ રેંજ આઇજીએ તપાસના આદેશો આપ્યા હતા.

દરમિયાન પોલીસની તપાસમાં પાટડી તાલુકાના દેગામ ગામની સીમમાંથી ૯ હથિયારો મળી આવ્યા હતા. પોલીસને અહીંયાથી ગેરકાયદેસર રાખવામાં આવેલા દેશી બંદૂક, તમંચો, પિસ્તોલ, ગનપાવડર, લોખંડના છરા મળી આવ્યા હતા. પોલીસે આ હથિયાર સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી વધુ હથિારો મળી આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે ત્યારે પોલીસે હાલ કુલ ૯ હથિયારો કબ્જે કર્યા છે. પોલીસે આ શખ્સો પાસેથી ૫ દેશી બંદૂક, એક તમંચો, એક પિસ્તોલ, ગન પાવડર, લોખંડના છરા સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ શખ્સોએ શા માટે હથિયાર રાખ્યા હતા તે હજુ સુધી જાણી શકાયું નથી.