સુરેન્દ્રનગર-

કોરોના મહામારી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના આગેવાના જીણાભાઇ ડેડવારિયાની ગાડી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા શખ્સ ફરાર થઇ ગયા હતા. મોડી રાત્રે તેઓ ગાંધીનગરથી ચોટીલા પરત આવતા હતા આ દરમિયાન અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના અગ્રણી નેતા જીણાભાઇ ડેડવારિયા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. તેઓ ચોટીલાના કોંગ્રેસના વર્તમાનના ધારાસભ્ય ઋત્વિક મકવાણા સામે વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે,આ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.સાઇડ લેવા બાબતે એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સોએ તેમની કાર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન કારમાં રહેલા જીણાભાઈનો બચાવ થયો હતો. 

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જીણાભાઈ ચોટીલા વિસ્તારમાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તે મામલે રજુઆત કરવા માટે ગાંધીનગર ગયા હતા. રાત્રે તેઓ ગાંધીનગરથી પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે ફાયરિંગ થયું હતું. એવું જાણવા મળ્યું છે કે હુમલો કરનાર વ્યક્તિઓ કાળા રંગના એક્ટિવા પર ત્રણ સવારી જઈ રહ્યા હતા. જે બાદમાં કાર ચાલકે ડીપર આપીને તેમને સાઇડમાં જવાનું કહ્યું હતું. આ દરમિયાન એક્ટિવામાં પાછળ બેઠેલા વ્યક્તિએ કાર પર ધડાધડ ફાયરિંગ કરી દીધું હતું.