થોડા દિવસ પહેલા જ આત્મહત્યા કરનારા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ રીલિઝ થવા માટે તૈયાર છે. સુશાંત સિંહે 'દિલ બેચારા' ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું હતું. આ ફિલ્મ ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ નોવેલ પરથી બની છે. આ નોવેલ પર એક હોલિવુડ ફિલ્મ પણ એ જ નામી બની ચૂકી છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. દિલ બિચારા ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સાથે સંજના સંઘી મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મને ડિજિટલ માધ્યમથી રીલિઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મનું પ્રીમિયર ડિઝનીપ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. આ ફિલ્મને 24 જુલાઇના રોજ રીલિઝ કરવામાં આવશે. ફિલ્મમાં સૈફ અલી ખાન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન મુકેશ છાબરાએ કર્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ ફિલ્મને બધા લોકો જોઇ શકશે, જેમની પાસે ડિઝનીપ્લસ હોટસ્ટારનું સબસ્ક્રીપ્શન નહીં હોય તેઓ પણ આ ફિલ્મને જોઇ શકશે.

બોલિવુડના ધોની ગણાતા એક્ટર સુશાંતસિંહ રાજપૂતે મુંબઈ ખાતે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ એક્ટરની ઓચિંતી અને અણધારી વિદાયથી સમગ્ર બોલિવુડ શોકના સમુદ્રમાં ડૂબ્યું છે. કરિયરના ટૂંકાગાળામાં સુશાંતે અનેક બેસ્ટ ફિલ્મો આપી. અનેક એવા આઈકોનિક પાત્રો પણ અદા કર્યા. એ પછી 'ધોની' હોય કે 'કેદારનાથ'. પણ હવે તેની કાયમી વિદાયથી સિને સ્ક્રીન પર એની સ્માઈલ કે એક્ટિંગ જોવા નહીં મળે. તેની આ અણધારી વિદાયથી કેટલીક ફિલ્મો અધૂરી રહી ગઈ છે...

તે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો પણ અનેક એવી ફિલ્મ છે જે બાકી રહી ગઈ છે. આ ફિલ્મોને તે પૂરી કરી શક્યો નથી. એમાની એક ફિલ્મ છે 'રાયફલ મેન'. આ ફિલ્મ અંગે ગત વર્ષે તા. 15 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયા પરથી જાહેરાત કરવામાં આવી હતી. જે વર્ષ 1962માં ભારત-ચીન વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં તે મહાવીર ચક્ર વિજેતા જસવંતસિંહનું પાત્ર ભજવવાનો હતો.

ત્યાર બાદ 'ઈમરજેન્સ' ફિલ્મ પણ તેણે હાથ પર લીધી હતી. આ ફિલ્મમાં સુશાંત પહેલા ઈરફાન ખાન પર પંસદગી ઉતારવામાં આવી હતી. પણ ઈરફાન ખાનનું નિધન થતા આ ફિલ્મ સુશાંતને મળી હતી. પણ હવે સુશાંત પણ આ દુનિયા છોડી ચાલ્યો ગયો છે, ત્યારે સમગ્ર પ્રોજેક્ટ લટકી ગયો છે. એક મહામારીના વિષય પર આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી હતી.

સુશાંત એક એવો એક્ટર હતો, જે પોતાના પાત્ર માટે સતત કંઈક નવું ટ્રાય કરવા માગતો હતો. થોડું હટકે કહી શકાય એ પ્રકારનું એનું કામ રહ્યું છે. વર્ષ 2018માં તેણે ઈનસેઈ વેન્ચર્સ સાથે હાથ મિલાવ્યા હતા. એની સાથે મળીને તે 12 એપિસોડની એક સીરિઝ તૈયાર કરવા માગતો હતો. જેમાં તે અબ્દુલ કલામથી લઈને ચાણક્ય સુધીના લોકોનું પાત્ર અદા કરવાનો હતો. પણ હવે આ પ્રોજેક્ટ પણ અટકી ગયો છે.

શેખર કપૂરની ફિલ્મ 'પાની'માં સુશાંતસિંહ કામ કરવાનો હતો. આ ફિલ્મને લઈને અમુક કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું હતું. પણ પછી કેટલાક કારણોસર યશરાજ ફિલ્મે આ પ્રોજેક્ટને બ્રેક મારી દીધી હતી. આ ફિલ્મ સિનેમા સુધી પહોંચી શકી ન હતી. પણ અહીં સુશાંતનું પાત્ર મહત્ત્વનું હતું, એવું પણ માનવામાં આવે છે.