અમદાવાદ-

અમદાવાદની મહિલા ક્રાઈમની તોડબાજ સસ્પેન્ડેડ પીએસઆઈ શ્વેતા જાડેજાના બનેવી સામે સીઆરપીસીની કલમ ૭૦ મુજબ ધરપકડ વોરંટ કોર્ટમાંથી મેળવી દેવેન્દ્ર આડેદરાની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ કરી છે. તમને જણાવી દઇએ કે, અમદાવાદના નવનિયુકત પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે લોકોમાં ખોટા મેસેજ ન જાય તે માટે ઉકત મામલામાં કાયદેસરની તમામ કાર્યવાહી કરવા એસઓજી સુચના આપી હતી. એસઓજી દ્વારા જામજાેધપુર ખાતેના આંગળીયા પેઢીના કર્મચારી ભુપેન્દ્ર ઠક્કર તથા જયવીરસિંહ ચુડાસમાના સીઆરપીસી કલમ ૧૬૪ મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ રૂબરૂ નિવેદન નોંધી આરોપીએ નાણા સ્વીકાર્યાનું સાબિત થતા નાસતા ફરતા આરોપી દેવેન્દ્રભાઇ પાસે લાંચની રકમ હોવાની રજુઆત આધારે કોર્ટમાંથી વોરંટ મેળવ્યું છે. જાેકે હાલમાં શ્વેતાનો બનેવી ધરપકડથી બચવા માટે સંતાઇ રહ્યો છે.

તેથી કેસની તપાસ માટે તેની ધરપકડ થાય તે જરૂરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જાે દેવેન્દ્ર સામે સીઆરપીસીની કલમ ૭૦ મુજબ વોરંટ બાદ પણ તે હાજર નહિ થાય કે મળી નહી આવે તો તેની સામે મિલ્કત જપ્તીની કાર્યવાહી કરવામાં આવી શકે છે. હવે અહિં સાફ થઇ ગયું છે કે, મહિલા ક્રાઈમની તોડબાજ સસ્પેન્ડેડ પીએસઆઈ શ્વેતા જાડેજાના તમામ રાઝ પરથી પડદો ઉંચકાઇ ગયો છે.

હવે આ મામલે શ્વેતાના સંબંધીઓ પર પણ કોર્ટ એક્શન મોડમાં આવી ગઇ છે. આ પહેલા શ્વેતા જાડેજાએ ૪૫.૧૨ લાખની લાંચ લીધી હોવાના પુરાવા મળી આવ્યા હતા. ૧ ફેબ્રુઆરી થી ૬ ફેબ્રુઆરી વચ્ચે નાણાકીય વ્યવહારો થયાના ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. જીએસપી ક્રોપ સાઈન્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેકટર કેનલ વી. શાહને પાસા નહિ કરવા માટે યેનકેન પ્રકારે ૨૦ લાખ લીધા બાદમાં ૧૦-૧૦ લાખના બે આંગડિયા ઉપરાંત રૂપિયા ૪ લાખ વસ્ત્રાપુરની સરકારી વસાહત નીચે રોકડા અને ૧.૧૨ લાખનો એક એપલનો મોબાઈલ મળી ફ્ક્ત ૬ દિવસમાં શ્વેતાએ ૪૫.૧૨ લાખ રૂપિયા કેનલ પાસેથી જ પડાવ્યા હતાં. આ તમામ પુરાવા આંગડિયા પેઢીના કર્મચારીઓની પૂછપરછમાં તમામ મળ્યાં છે.