વડોદરા-

કરજણના ચર્ચાસ્પદ સ્વીટી પટેલ મર્ડર કેસમાં પકડાયેલા સસ્પેન્ડ PI અજય દેસાઇ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજા 11 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ આજે શુક્રવારે પુરા થશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અજય અને કિરીટને લઈ આજે કરજણ આવશે, બન્નેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિવિધ દિશામાં તપાસ કરી છે. PI અજય દેસાઈ અને કિરીટ જાડેજા પાસે પોલીસે રિકન્ટ્રક્શન કરાવ્યું, ઉપરાંત આ કેસમાં અજય અને કિરીટના મિત્રોની પણ અમદાવાદ ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. સ્વીટી મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેટલાક વ્યક્તિઓના સીઆરપીસી 164 મુજબના નિવેદન પણ લેવાડાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કરજણ પોલીસ દ્વારા આજે કોર્ટ સંકુલની આસપાસ સહિતના વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાશે.