લો બોલો, દુલ્હાને 2 નો ઘડિયો ના આવડતા દુલ્હને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી
06, મે 2021

દિલ્હી-

અત્યારના સમયમાં ભણતરનું મહત્ત્વ વધારે છે. લાઈફ પાર્ટનર પસંદ કરવામાં પણ પ્રાથમિકતા ભણતરને આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં ખોટું બોલીને લગ્ન કરી રહેલા દુલ્હાને પસ્તાવાનો વારો આવ્યો છે. દુલ્હા અને તેના પરિવારે અભ્યાસ વિશે દુલ્હનના પરિવારને અંધારામાં રાખ્યા અને જ્યારે અધૂરા ભણતરની વાત સામે આવી તો દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. આંગણે આવેલી જાન દુલ્હનને સાથે લીધા વગર જ પરત ફરી.

આ ઘટના ઉત્તર પ્રદેશના મહોબા શહેરની છે. દુલ્હાને ૨નો ઘડિયો ના આવડતા દુલ્હને લગ્ન કેન્સલ કર્યા. પોલીસે આ કેસ વિશે જણાવ્યું, બે પરિવાર વચ્ચેના આ અરેંજ મેરેજ હતા. લગ્નમાં હાજર મહેમાનો પણ આ જાેઇને દંગ રહી ગયા હતા. દુલ્હનનાં પરિવારજનોએ તેને મનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેણે કહ્યું, જેનામાં બેઝિક એજ્યુકેશન ક્વોલિફિકેશન નથી તેવી વ્યક્તિ સાથે હું લગ્ન કરીને જિંદગી કેવી રીતે પસાર કરી શકું? પહેલાં તેને ગણિત શીખવાડો.

દુલ્હનના ભાઈએ જણાવ્યું, દુલ્હા અને તેના આખા પરિવારે અમને છોકરાના એજ્યુકેશન વિશે અંધારામાં રાખ્યા. તે છોકરાએ ક્યારેય સ્કૂલમાં પગ પણ મૂક્યો નહોતો. અમને છેતરવામાં આવ્યા છે. મારી બહાદુર બહેને પળવારનો પણ વિચાર કર્યા વગર લગ્ન કરવાની ના પાડી અને અમને બધાને તેના પર ગર્વ છે. આ ઘટના મામલે પોલીસે કોઈ કેસ ફાઈલ કર્યો નથી. દુલ્હાના પરિવારે ભૂલ સ્વીકારી અને બંને પરિવાર એકબીજાને આપેલી ગિફ્ટ પરત કરી દેશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution