રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા કોલોની પાસે બની રહેલા “ગોરા આદર્શ વસાહત” મુદ્દે સ્થાનિક આદિવાસીઓ અને અધિકારીઓ સામ સામે આવી ગયા છે.નર્મદા નિગમના અધિકારીઓ એમ કહે છે કે ૧૯૬૧-૬૨ દરમ્યાન પ્રાંત અધિકારી રાજપીપળા દ્રારા જમીનો સંપાદિત થયેલ છે.૨૦૧૯ માં ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી નંબર–૧૩૦/૨૦૧૯ થી દાવો કરવામાં આવ્યો હતો કે જમીન સંપાદન બદલ હજી અસરગ્રસ્તોને વળતર ચૂકવાયેલ નથી.જેની સામે નર્મદા નિગમ દ્રારા હાઇકોર્ટ સામે યોગ્ય આધાર સાથે વળતર ચુકવ્યા બદલના પુરાવા રજૂ કરાયા હતા.પુરાવાની સમીક્ષા બાદ હાઇકોર્ટે જાહેર હિતની અરજી ફગાવી હતી.હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, આ ચુકાદા બાદ પણ જાે કોઈ ખાતેદાર અથવા તેના વારસદારને વળતર ન મળ્યા બાબત અસંતોષ હોય તો આ અંગે હાઇકોર્ટમાં વ્યક્તિગત પિટિશન કરી શકે છે પણ હજી સુધી આ પ્રકારની કોઈ પણ પિટિશન આ વિસ્તારમાંથી થયેલ નથી. નર્મદા નિગમ દ્રારા રોજગારી પૂરી પાડવામાં આવેલ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે જેથી સ્થાનિકોને રોજગારી આપી શકાય.૬ ગામ આદર્શ વસાહતમાં ૧૨૫ ચો.મી ના બાંધકામ વાળુ ૧ મકાન એક જ પરીવારને આપવામાં આવ્યું છે, આજુ બાજુમાં બાંધકામ સિવાયની જગ્યા તેઓની માલીકીની જ છે અને આ જગ્યા પશુઓ બાંધી શકાય છે. વાગડિયા ગામનાં સરપંચ પોતે એક જવાબદાર પ્રતિનિધિ છે તેઓ પોતે મગનભાઇ ગોવિંદભાઈનાં વારસદાર છે.સરપંચનાં પિતા વિઠ્ઠલભાઈ મગનભાઇ તડવી અને કાકા મનુભાઈ મગનભાઇ તડવીએ ગત તા. ૨૦/૦૯/૨૦૧૭ નાં રોજ સરકાર તરફથી આપવામાં આવેલ પેકેજ સ્વીકારતી એફિડેવિટ એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ,ગરૂડેશ્વર સમક્ષ કરેલ છે અને તેમાં જણાવેલ છે કે આ સંમતી અમોએ સંપૂર્ણ શુદ્ધ બુદ્ધિથી, સભાન અવસ્થામાં, બિનકેફી હાલતમાં કોઈ પણ જાતના દાબ દબાણ વગર લખી આપેલ છે.