અમદાવાદ-

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની પરીક્ષા યોજવાનું આયોજન આજથી કરવામાં આવ્યું છે.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પરીક્ષાને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાષ્ટ્રીય શૈક્ષણિક શિક્ષક સંઘ દ્વારા આ પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં 1.75 લાભ શિક્ષકોમાંથી એક લાખથી વધુ શિક્ષકોએ પરીક્ષા આપવાની તૈયારીઓ દર્શાવી છે, જ્યારે રાષ્ટ્રીય શૈક્ષણિક શિક્ષક સંઘ દ્વારા પણ દાવો કરવામાં આવે છે કે 90 ટકા શિક્ષકો પરીક્ષા નહીં આપે. વિરોધના આ સંધર્ષ વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થયો છે અને આ પાછળ 400 કરોડનો ધુમાડો કર્યો હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં અમદાવાદ, સુરત અને વડોદરા સહીત તમામ શહેરના સેન્ટરો ખાલીખમ જોવા મળ્યા. શિક્ષકો સર્વેક્ષણ માટે આવ્યા જ નહીં,શહેરોની શાળાઓમાં એકપણ શિક્ષકો ના આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.શિક્ષકોએ આ સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો છે. શિક્ષકો પોતાની સરકારી શાળામાં હાજર રહ્યાં છે, પરંતુ આ સર્વેક્ષણમાં આવ્યાં નથી.અમદાવાદમાં એલિસબ્રિજ શાળા માં ૩૯ શિક્ષકો માટે સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણ માટે અહીં તમામ તૈયારીઓ કરવામાં આવી હોવા છતાં એક પણ શિક્ષક આ સર્વેક્ષણ માટે હજાર રહ્યાં નથી.વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરામાં પણ અમદાવાદ જેવી જ સ્થિતિ છે. વડોદરામાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા 800 જેટલા શિક્ષકોએ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો હોવાથી વડોદરાના કેન્દ્રો પણ ખાલીખમ જોવા મળ્યા હતા.