વડોદરા

વડોદરા શહેર-જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના પગલે ભારે પવન અને વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારો પૈકી ર૪ કલાક વાહનવ્યવહારથી ધમધમતા કોઠી ચાર રસ્તા પાસે આવેલ એમજીવીસીએલનું ટ્રાન્સફોર્મર વીજ થાંભલા સાથે ધરાશાયી થયું હતું. આ સાથે ૧૯૫ જેટલી સોસાયટીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવા માટે એમજીવીસીએલ કંપનીના ટેકનિકલ સ્ટાફ દોડી આવ્યો હતો અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ઘરી હતી. જેમાં ૮ર જેટલી સોસાયટીઓ અને ગામોમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો હતો. જાે કે, હજુ પણ હજારો મકાનો, બંગલાઓ અને ફલેટમાં વીજ પુરવઠો ચાલુ થયો નથી. બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કુલ ર૧ ફીડરમાંથી ૧૩ ફીડરમાં ઈલેકટ્રીકસિટી રિસ્ટોર કરી દેવામાં આવી હતી અને ૯ કોવિડ હોસ્પિટલોમાં વીજ પુરવઠો પૂર્વવત્‌ કરવામાં આવ્યો હતો. ૮ થાંભલાઓ પૈકી ૪ થાંભલાઓ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯૬ ફીડરમાંથી ર૪ ફીડરમાં ઈલેકટ્રિકસિટી રિ-સ્ટોર કરી ગ્રામ્યની ૧૧ કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. ૭૮ થાંભલાઓ પૈકી ર૭ થાંભલાઓ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા હતા. તકેદારીના ભાગરૂપે શહેર જિલ્લાના વહીવટીતંત્ર અને વિવિધ વિભાગના નિયંત્રણ કક્ષોએ ગઈકાલે સતત ત્રીજી નાઈટમાં કામગીરી ચાલુ રાખી હતી અને યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ રાખ્યું છે.