લો બોલો, પુત્રીના જન્મ બાદ પ્રેમિકાને લઈને પતિ વિદેશ ફરાર
29, સપ્ટેમ્બર 2020

અમદાવાદ-

કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાના પતિનું મૃત્યુ થયા બાદ પરિવારજનોના જણાવ્યા મુજબ તેના દિયર સાથે જ મહિલાએ દિયર વટુ કર્યું હતું. તેનાથી તેને એક પુત્રી પણ જન્મી હતી. જોકે આ દિયર વટુ કરેલો પતિ અન્ય યુવતીને લઈને વિદેશ જતો રહેતા મહિલાને સાસરિયાઓએ અભાગણી કહીને માર મારી ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. નરોડામાં રહેતી ૪૦ વર્ષીય મહિલાને બે પુત્રી છે. તેમના લગ્ન વર્ષ ૨૦૦૩માં થયા હતા. વર્ષ ૨૦૧૦માં આ મહિલાનો પતિ બાવળાની એક કંપનીમાંથી નોકરી પતાવીને ઘરે આવતો હતો ત્યારે અકસ્માત થયો હતો અને બાદમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં આ મહિલા અમરેલી ખાતે પિયર રહેવા ગઈ હતી.

પતિના અકસ્માતના વળતર પેટે મળેલા ૨૦ લાખ પણ મહિલાના સસરા પાસે હતા. તે દરમિયાનમાં મહિલાના સાસુ સસરાએ કાકા સસરાના પુત્રને દત્તક લીધો હતો. બાદમાં તેના સસરા તેને તેડવા અમરેલી ગયા હતા. ત્યારે તેના સાસુ સસરાએ કહ્યું કે, તારે નાની દીકરી છે તો સંસાર માંડવો જોઈએ. પરિવારજનોની સહમતીથી મહિલાએ પરિવારજનોના કહ્યા મુજબ તેના જ દિયર સાથે દિયરવટુ કર્યું હતું. વર્ષ ૨૦૧૧ માં મહિલાએ દિયરવટુ કર્યું અને ૨૦૧૨માં તેને દિયર થકી અન્ય એક પુત્રી થઈ હતી. મહિલાનો આ પતિ સુરત એમ.બી.બી.એસનો અભ્યાસ કરતો હતો. વર્ષ ૨૦૧૮માં મહિલાએ જેની સાથે દિયરવટુ કર્યું તે જ પતિ એક યુવતીને સુરતથી લઈને આવ્યો હતો. બાદમાં તેની સાથે વિદેશ પણ જતો રહ્યો હતો. સાસુ સસરાએ તેમાંય આ મહિલાનો વાંક કાઢી તેને અભાગણી કહીને માર મારી પિયરમાંથી ૧૦ લાખ લઈ આવવા કહીને ધમકાવી કાઢી મૂકી હતી. જેથી મહિલાએ કંટાળીને આ મામલે કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution