અમદાવાદ-

ગુજરાતમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે અને આજે અમદાવાદ સહિત ૧૪ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૬ ડિગ્રીને પાર થયો હતો. ૩૮.૮ ડિગ્રી સાથે આજે મહુવામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમં હાલ ઉત્તરપૂર્વ દિશાનો પવન છે. આગામી ૩-૪ દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આજે અમદાવાદમાં ૩૭.૪ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૮ ડિગ્રીનો વધારો જ્યારે ૨૦.૧ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૦.૬ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૩૯ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહી શકે છે. અમદાવાદમાં માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચવાની પણ સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર આજે જ્યાં વધુ ગરમી નોંધાઇ તેમાં ૩૮.૪ સાથે ભૂજ, ૩૭.૯ સાથે રાજકોટ, ૩૭.૮ સાથે સુરેન્દ્રનગર, ૩૭.૭ સાથે દીવ, ૩૭.૫ સાથે ગાંધીનગર-કેશોદ, ૩૭.૪ સાથે ડીસા, ૩૬.૮ સાથે વલ્લભ વિદ્યાનગર, ૩૬.૭ સાથે સુરત જ્યારે ૩૫.૯ સાથે ભાવનગરનો સમાવેશ થાય છે.